રાજકોટઃ હંમેશા વાર તહેવારે કે પ્રસંગે લોકો ડીશમાં વધેલો, ખોરાક છોડી દે છે. એ એઠવાડનો નિકાલ પણ ક્યારેક તો શક્ય હોતો નથી. બીજી સમસ્યા પ્રસંગે એ કે ડિસ્પોઝેબલ ગ્લાસનો નિકાલ. ત્રીજી અને મોટી સમસ્યા પ્રસંગમાં વાસણ માંજવાની હોય છે. વાસણ ધોવા માટે બેફામ પાણી વપરાય છે. લગ્ન પ્રસંગોમાં જોવા મળતી આ સમસ્યાઓ સામે જૈનત્વ સુરક્ષા સંઘ (જેએસએસ)એ નવતર પ્રયોગ તાજેતરમાં કર્યાં છે. વિજયનગરમાં તાતડ પરિવારને ત્યાં યોજાયેલા લગ્નમાં કેટલાક સારાં પગલાં પર અમલ થયો હતો. જેની ભરપૂર સરાહના પણ થઈ હતી.
જૈનત્વ સુરક્ષા સંઘ (જેએસએસ)ના સ્થાપક લોકેશ પારેખ કહે છે, આ પ્રસંગમાં સૌથી મોટો પ્રયોગ એ કે ભવ્ય લગ્ન સમારોહમાં સાત હજાર લોકોએ ભોજન લીધું હતું. આ સાત હજાર લોકોએ ભોજન લીધેલાં ડીશ, વાટકા પાણી વગર સાફ કરવામાં આવ્યા અને પાણીની બચત કરવામાં આવી. લાકડાના ભૂંસાથી આ વાસણો સાફ કરાયા અને પાણીનો બચાવ થયો.
લોકેશભાઈ કહે છે કે, તાતડ પરિવારને ત્યાં ચાર સફળ પ્રયોગ થયા પછી અમે દરેક લગ્નમાં આ પ્રયોગ થાય એ માટે પ્રોત્સાહન આપીએ છીએ. પહેલો પ્રયોગ એ કે, ભોજનની દરેક ડીશમાં જેએસએસના કાર્યકરોએ એક ટેગ મૂક્યું હતું. ટેગમાં લખ્યું હતું કે, ‘યે ડીશમાં ભોજન અધૂરા છોડના અલાઉડ નહીં હૈ’ આ નાનકડા પ્રયોગના કારણે લોકો ડીશમાં વાનગીઓ લેતાં સાવચેતી રાખે.
બીજો પ્રયોગ એ કે ડિસ્પોઝબલ ગ્લાસને બદલે પિત્તળ અને તાંબાના લોટામાં પાણી અપાયું અને લોકોએ જરૂર હોય એટલું જ પાણી લે. એ પછી ત્રીજો પ્રયોગ એ કે, એ લગ્નમાં સાત હજાર વ્યક્તિની રસોઈ બનાવી હતી. તેમાંથી પણ શાક, દાળ, પુરી, ફરસાણ અને મીઠાઈ વધ્યા તેનું પેકિંગ કરીને ગરીબોને આપવામાં આવ્યું હતું અને ગરીબોને ન આપી શકાય એવું મિક્સ ભોજન ગાયોને ખવડાવવામાં આવ્યું. જેથી ભૂખ્યાને ભોજન મળી રહે.
ચોથો પ્રયોગ એ કે ભોજન બાદ ડીશ, વાટકા, ચમચી પાણી વગર ધોવામાં આવ્યા હતા. ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ હતો.
લાકડાંના વેર દ્વારા ડીશ, વાટકા, ચમચી સાફ કરવામાં આવ્યા. એ પછી હજારો ગેલન પાણીની બચત માટે લોકો પ્રેરાયા છે. લોકેશભાઈએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર પાણી વગરનો પ્રદેશ છે. અહીંયા જો લાકડાંના ભુક્કા દ્વારા વાસણ સાફ કરવામાં આવે તો પાણીની જરૂર જ ન પડે. લોકેશભાઈએ જણાવ્યું કે, જેએસએસની ટીમ દ્વારા હવે આ પ્રકારના કાર્યો કોઈ પણ પ્રસંગે કરી આપવામાં આવી રહ્યાં છે. માત્ર પ્રસંગ કરનારની તૈયારી હોવી જોઈએ.