રાજકોટઃ દૂધાળા ગામ એ હીરાઉદ્યોગ અને સમાજસેવામાં આગવું નામ ધરાવતા સુરત સ્થિત ગોવિંદભાઈ ધોળકિયા અને સવજીભાઈ ધોળકિયાનું વતન છે. ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦માં જ્યારે જળક્રાંતિનો જન્મ થયો ત્યારે ધોળકિયા બંધુ અને ગામના અન્ય સુરત સ્થિત ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે લોકફાળો આપીને લાઠી તાલુકામાં આવેલા આ ગામની નદી વહેણો ઉપર ચેકડેમો બંધાવ્યા.
ઇ.સ. ૨૦૧૬માં દુષ્કાળમાં ગામ જળ સમસ્યામાં ફસાયું હતું. કૃષિ ગ્રામજનો - ગૌવંશની બેહાલી જોઈને સવજીભાઈએ છેલ્લા ત્રણ માસથી હિટાચી મશીનો અને ડમ્પર સાથે દૂધાળામાં પડાવ નાંખ્યા છે. રૂ. એક કરોડથી વધુ રકમ ખર્ચીને નદી ઉપરના પાંચ ચેકડેમો ૧૫થી ૨૦ ફૂટ ઊંડા ઊતાર્યા. હવે આ પાંચ ચેકડેમો તળાવનું સ્વરૂપ પામ્યા છે. હવે તો આ વિસ્તારમાં વરસાદ થતાં પાણીનો સંગ્રહ વધુ સહેલો બનશે.
જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયાએ તાજેતરમાં દૂધાળા ગામની મુલાકાત લીધી. પાંચેય તળાવની અંદાજે એક-એક લાખ ઘન મીટર જળસંગ્રહ ક્ષમતા થઈ છે. મનસુખભાઈ સુવાગિયાએ જણાવ્યું કે આ પાંચ તળાવો અને અન્ય ચેકડેમોથી હવે દૂધાળા ગામ બારમાસી જળસ્વાવલંબી ગામ બન્યું છે. આ તળાવોથી દૂધાળા ઉપરાંત લાઠી, અકાળા અને કેરાળા વગેરે ચારથી પાંચ ગામોના ભૂતળ પણ જળસંપન્ન થશે.