રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અપાતા સન્માનની શ્રેણીમાં આ વર્ષે લાભશંકર પુરોહિતને લોક સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને લોકગાયિકા ભારતીબહેન કુંચાલાને હેમુ ગઢવી એવોર્ડ એનાયત થયા હતા. લાભશંકર પુરોહિત અને ભારતીબહેનને સન્માન, મોમેન્ટો અને રૂ. ૧ લાખ પુરસ્કાર મોરારિબાપુના હસ્તે અપાયા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા લોક સાહિત્ય અને લોકગીત-લોકકથાનાં સંવર્ધન અને પ્રચાર માટે આ કેન્દ્ર મંજૂર કરાયું હતું.
રાજકોટમાં ૧૭મી જાન્યુઆરીએ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોરારિબાપુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું સદાવ્રત બની જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે મોરારિબાપુએ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે અનેક રસપ્રદ વાતો કહી હતી. આ સમારોહનો પ્રારંભ કથાકાર મોરારિબાપુ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, જૈન ઈન્ટરનેશનલ ઓર્ગે.ના પ્રમુખ ઘેવરચંદજી બોહરા સહિતના મહાનુભાવાનો હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરાયો હતો.
આ સમારોહમાં મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ શબ્દ ધર્મી, શબ્દ કર્મી અને શબ્દ મર્મીને ચરિતાર્થ કરતી વ્યક્તિને જ મળવો જોઈએ. આજે મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ મેળવનારા લાભશંકરદાદા ત્રણેયમાં ખરા ઉતરે તેવા હોવાથી એવોર્ડ સાચા હાથમાં ગયો છે. આ ઉપરાંત ભારતીબહેન કુંચાલાને મળેલા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ સંદર્ભે મોરારિબાપુએ જણાવ્યું હતું કે હેમ (સોનુ) ક્યારેય બોલતું નથી, પરંતુ રાજકોટને બોલતું નહીં પણ ગાતું હેમ (હેમુ ગઢવી) મળ્યું છે.