ગાંધીનગર: રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને મંજૂરી મળી છે. આ પાર્ક ધારીથી ૬ કિલોમીટર દૂર રક્ષિત વનનો જ એક ભાગ છે.
ગીર જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે તેમજ ખોડીયાર ડેમ પાસે આ સ્થળ આવેલું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સફારી પાર્કની સ્થાપના માટે ભારત સરકારને રજૂઆતો કરી હતી કે, આંબરડી પાર્કને મંજૂરી મળતા ગીરના પૂર્વ વન વિસ્તારમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સાસણ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. વિશ્વ પર્યાવરણ દિવસે જ ગુજરાતને સફારી પાર્કની મંજૂરી મળી છે, પણ આ સફારી પાર્ક બનવા સામે હાઈ કોર્ટમાં રિટ કરાઈ છે.
હાઈ કોર્ટમાં રિટ
જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે, સફારી પાર્ક થવાથી વન્ય પ્રાણીઓનું રહેણાક છીનવાઇ જવાની શક્યતા છે ત્યારે ગેરકાયદે પાર્કના નિર્માણને અટકાવવું જોઈએ. હાઇ કોર્ટમાં આ જાહેરહિતની અરજી થઈ છે. હાઇ કોર્ટ દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવવામાં આવી છે.