લીંબડીઃ મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પાળિયાઓની શાસ્ત્રોકત વિધિ કરીને સ્મારક બનાવવામાં આવ્યું છે.
લીંબડી મહાલક્ષ્મી ચોક પાસે પાળિયાવાળી શેરીમાં દશરથસિંહ રાણા (અડવાળ) મેલડી માતાનું મંદિર આવેલું છું. આજુબાજુના વિસ્તારમાં દશુભાના મેલડીમા તરીકે ઓળખાય છે. ધાર્મિક કાર્યકમો, બટુક ભોજન, સાધુ સંતોના આશ્રય સ્થાન સહિતના સદકાર્ય માટે દશુભાના મેલડીમાતાનું મંદિર લોકોના દિલમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે.
હાલમાં મેલડીમાના મંદિર, બાજુમાં સાધુ, સંતો માટે સંત કુટિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં સંતકુટિર માટે ખાળકૂવાનું ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૧ ફૂટ ઊંડું ખોદકામ કર્યું ત્યારે તેમાંથી ખાંભી મળી આવી હતી. જેમ જેમ ખોદકામ થતું ગયું તેમ તેમ લગભગ ૧૯ ખાંભી મળી આવી હતી. ખાંભીઓ બહાર કાઢી ઉપર ચોંટેલી માટી દૂર કરીને શુદ્ધ પાણી, ગંગાજળ દ્વારા ખાંભીઓ સ્વચ્છ કરવામાં આવી હતી. ખાંભીઓ નીચે પૌરાણિક ભાષામાં લખાણને વાંચી શકે તેવા જાણકારોને બોલાવી કોની ખાંભીઓ છે તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણકારોના મતે પાળિયા ૧૯મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા શહીદ થયેલા ક્ષત્રિયોના હોવાનું કહેવામાં આવ્યું હતું.