સુરેન્દ્રનગરઃ લીમડી નેશનલ હાઇવે પર આવેલા છાલિયા તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતા મુઘલકાળના સિક્કા નીકળ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સિક્કા નીકળતાં લોકોએ સિક્કા લેવા માટે દોડધામ મચાવી હતી. તેવી વાતો પ્રસરી છે. આ સિક્કા મુઘલ સમયના ૧૭મી સદીના હોવાનું જાણકારો કહી રહ્યા છે. લીમડીના રાજાએ બનાવેલું રામસાગર તળાવ હાલમાં છાલિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતી વખતે સિક્કા નીકળતાં હોવાની વાત વાયુવેગે ફેલાતાં લોકોએ તળાવમાંથી સિક્કા શોધવા માટે અંદાજે ત્રણ ફૂટ જેટલી જમીન ખોદી નાંખી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં આવેલા ચાંદીના સિક્કાના બનાવમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. જૂના સિક્કાના જાણકાર અને સંગ્રહકર્તા અઝીઝખાન મલેકે આ સિક્કા ૧૭મી સદીના હોઈ શકે છે તેમ જણાવ્યું હતું.