અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતી ચાર મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોક ઓડેદરા, નીતિમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સિમ્મી માલેએ જાનની બાજી ખેલીને લૂંટ અને હત્યાના આરોપી જૂનાગઢના જુસબ અલ્હાર ખાનને પકડી પાડ્યો હતો. બોટાદ નજીકના દેવદરી ગામની સીમ નજીક જંગલની અંદરની પહાડી પર આવેલા ખેતરમાં સૂઇ રહેલા જુસબને ચાર મહિલા સહિત પાંચ પીએસઆઇની એટીએસની ટીમે રવિવારે સવારે ઘેરી લીધો હતો.
રાજ્યના જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારથી લઇ અલગ અલગ જિલ્લાઓમાં ખૂન, લૂંટ, ધાડ અને સરકારી કર્મચારી પર હુમલા કરી જાપ્તામાં નાસી જવા સહિતના ૨૩ ગુનાનો જુસબ પર આરોપ હતો.
સ્થાનિક પોલીસ સહિત સીઆઇડી ક્રાઇમ તેને ન પકડી શકતા પકડવાની કામગીરી એટીએસને સોંપવામાં આવી હતી. એટીએસએ તેની ધરપકડ કરી, સીઆઈડી ક્રાઇમને સોંપવા તજવીજ હાથ ધરી છે.
એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લા કહે છે કે, જાણકારી મળી હતી કે જુસબ બોટાદના જંગલોમાં સંતાયો છે. આ માહિતીને આધારે ચારેય મહિલા પીએસઆઇએ હથિયાર સાથે ઓપરેશન હાથ ધર્યું હતું અને બોટાદના જંગલ વિસ્તારમાંથી જુસબને શોધી કાઢ્યો હતો.