લેસ્ટરવાસીઓનું ખંભાળિયામાં સેવાકાર્યઃ

Friday 27th March 2015 07:42 EDT
 

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકાર્યો થતા રહે છે. જેમાં લેસ્ટરસ્થિત દાતાઓના સહયોગી ત્રણ વિકલાંગોને ટ્રાયસીકલ અને એકને ટેકાઘોડી આપવામાં આવી આવી હતી. અન્ય એક દાતાના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાતા ૬૧ દાતાઓએ રક્તદાન કર્યું. પ્રોજેક્ટ ચેરમેન રાજીવભાઈ બરછા, ડિસ્ટ્રીક્ટ ચેરમેન શૈલેષભાઈ કાનાણી, ધીરેનભાઈ બદિયાણી વગેરે હાજર હતા. દરિયાલાલ ચેરીટેબલ ટ્રસ્ટે ૧૫ જરૂરિયાતમંદો વ્યક્તિઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ આપી હતી.

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાયું, બગસરામાં વરસાદઃ સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર સહિતનાં જિલ્લાઓમાં આકાશમાં વાદળો છવાયા હતા અને તેજ પવન પણ ફૂંકાયો હતો. બગસરા પંથકમાં ગાજવીજ સાથે તોફાની ઝાપટું વરસ્યું હતું.

પાણીની અછતથી સૌરાષ્ટ્રમાં ખેતીને નુકસાનઃ ઉનાળાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જેની વાવણી થાય છે તે મગફળી અને તલને આ વર્ષે મોટું નુકસના થયું છે. બંને ઉત્પાદનોમાં વ્યાપક મંદી છે તો સિંચાઈ માટેના પાણીની તંગી પણ આ પાકને અવરોધરૂપ છે. ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થયો છે. વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. રાજ્યમાં ૭.૧૫ લાખ હેક્ટરમાં કુલ વાવેતર નોંધાયું છે. એ ગયા વર્ષે ૮.૬૬ લાખ હેક્ટર હતું. વાવણીમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે. તલનું વાવેતર ૫૧ ટકા ઘટ્યું છે. તલમાં પાણીની જરૂરીયાત પણ ઓછી રહે છે છતાં ખેડૂતો તેનું વાવેતર કરતા નથી. કારણ કે હવે પીવાના પાણીની પણ સમસ્યાઓ ખાસ કરીને ગામડાંમાં ઊભી થઇ છે. મગફળીના ભાવ પ્રશ્ને ખેડૂતોમાં રોષ છે. કૂવા, બોર-તળાવમાં પાણી નથી એટલે મગફળીને બદલે ખેડૂતોએ પશુચારો અને શાકભાજી વાવ્યા છે. આમ મગફળીનો વિસ્તાર ૪૪ ટકા બગડ્યો છે.

ચાર ડોક્ટરો પાસેથી બે કરોડનું કાળુ નાણુ ઝડપાયુંઃ ગીર-સોમનાથ જિલ્લાનું વડુમથક બન્યા બાદ વેરાવળમાં દોઢ મહિનામાં ત્રણ વખત ઈન્કમટેક્સ વિભાગની તપાસથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. ગત સપ્તાહે શહેરના ચાર જાણીતા તબીબો- ડો. રામાવત, ડો. પ્રશ્નાણી, ડો. ચગ અને ડો.ડાભીની હોસ્પિટલો અને નિવાસસ્થાને વિભાગ દ્વારા સર્વેની કામગીરી થઇ હતી. કાર્યવાહીના અંતે ચારેય તબીબો દ્વારા કુલ મળીને અંદાજે કુલ રૂ. બે કરોડનું કાળુ નાણુ જાહેર થયેલ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter