રાજકોટ: શહેરમાં ચોરીની ઘટના સતત વધી રહી છે. સ્થાનિક લોકો માટે તો આ પ્રકારની ગુનાખોરી સામાન્ય બની ગઇ છે, પરંતુ યુકેથી રાજકોટમાં એક શુભપ્રસંગે આવેલા એક પરિવારની કારને ગઠિયાઓએ નિશાન બનાવી તેમાંથી અંદાજે રૂ. એક લાખના કિંમતી સામાનની ચોરી કરતાં વિદેશવાસીને શહેરનો કડવો અનુભવ થયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોએ અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ લેસ્ટરના થર્મસ્ટનમાં રહેતાં અને ઉપલેટા નજીકના મેખાટીંબીના વતની ભરતભાઇ રતિલાલ પાઠક (ઉ.૬૩) તેમના પત્ની ગીતાબેન, પુત્ર વિશાલ, પુત્રી હેમાલીબેન સુરેન્દ્રનગરમાં તેમના સાઢુભાઇના દીકરાના યજ્ઞોપવિત પ્રસંગે અને ફરવા માટે આવ્યા હતા.
તેઓ રાજકોટની એક હોટેલમાં રોકાયા હતા અને બીજા દિવસે તેમને અમદાવાદ જવાનું હોવાથી કાર ભાડે કરી હતી અને કારમાં જ મોટાભાગનો સામાન રાખ્યો હતો.
જોકે, આ સામાનમાંથી એક થેલો ગાયબ જણાયો હતો. તેમાં ૩૦૦ પાઉન્ડ, એક લેપટોપ, ચાર પાસપોર્ટ, રોકડ રકમ તથા અન્ય વસ્તુઓ મળીને અંદાજે રૂ. ૧.૦૭ લાખની મતા હતી.
કોઇ શખસ કિંમતી સામાન ભરેલો થેલો લઇ ભાગી ગયો હોવાનું મનાતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.