ભાવનગરઃ તળાજા તાલુકાના બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલનાં તાજેતરમાં લગ્ન લેવાયાં હતાં. તેમની દીકરી સોનલનાં લગ્ન ભાજપી નેતા જીતુભાઈ ડેરનાં દીકરા મોનિલ સાથે ધામધૂમથી થયાં છે. આ લગ્નમાં ૨૫મી ફેબ્રુઆરીએ રાત્રે બોરડા ગામેથી આવેલા જાનૈયા પક્ષેથી ઉત્સાહમાં ફાયરિંગ થયું હતું અને ગોળી બેન્ડવાજાની ટીમમાંથી ઢોલ વગાડતા દશરથભાઇ ડાહ્યાભાઇ રાઠોડને જમણી બાજુનાં જડબાના ભાગે વાગી હતી. લગ્નમાં બેન્ડબાજા પાર્ટી અમદાવાદથી બોલાવાઈ હતી. અમદાવાદના જૂના વાડજમાં રહેતા બેન્ડબાજાના સંચાલક સંજયભાઇ આચંડીએ પોલીસ ફરિયાદ કરી હતી કે, લગ્નમાં બેન્ડવાજા માટે તેમની ટીમને અમદાવાદથી બોલાવાઈ હતી.
જાન માંડવે પહોંચતી હતી ત્યારે જાનૈયામાંથી કોઈકે ફાયરિંગ કરતાં ગોળી દશરથભાઈ રાઠોડને વાગતાં ગંભીર હાલતમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં પહેલાં તળાજા ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સર્જરી થઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.