રાજકોટઃ આશરે અડધા દાયકા સુધી વિદ્વાન અને વિનયી કોંગ્રેસી રાજકારણી તરીકે અમીટ છાપ છોડી જનારા રાજકોટ રાજવી વંશજ મનોહરસિંહજી જાડેજા ‘દાદા’નું ૨૭મીએ મોડી સાંજે ૮૩ વર્ષની વયે અવસાન થયું હતું. ૨૮મીએ સવારે ૮થી ૧૦ વાગ્યા સુધી તેમના પેલેસ ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રખાયો હતો અને ત્યારબાદ આશાપુરા માતાજીના મંદિર, બાપુના બાવલાએ થઈને રામનાથપરા મુક્તિધામ સુધી તેમની અંતિમયાત્રા નીકળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો પણ રાજવીને શ્રદ્ધાસુમન અર્પણ કરી અંતિમયાત્રામાં પગપાળા જોડાયા હતા. રાજવી પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર થયા હતા જેમાં લોકલાડીલા નેતાને હજારોની મેદની વચ્ચે નવ ગનની સલામી સાથે અંતિમ વિદાય અપાઈ હતી.
જીવનચરિત્ર
૧૮ નવેમ્બર, ૧૯૩૫ના રોજ જન્મેલા મનોહરસિંહજીને તેમના દાદા લાખાજીરાજના લોકશાહી મૂલ્યો વારસામાં મળ્યા હતા. રાજકોટની રાજકુમાર કોલેજ પછી મુંબઈ અને બાદમાં ઈંગ્લેન્ડમાં તેમણે અભ્યાસ કરી એમ.એ.એલ.એલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એક ઉચ્ચશિક્ષિત રાજવી હોવાની સાથે તેઓ સારા ક્રિકેટર, બેડમિન્ટન અને બિલિયર્ડ પ્લેયર હતા. તેમણે વિવિધ કાવ્યસંગ્રહો અને ‘ગયા વર્ષો, રહ્યા વર્ષો’ નામે પોતાના સંસ્મરણો લખ્યાં છે.
રાજકારણ પ્રવેશ
વર્ષ ૧૯૬૨માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. પ્રથમ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા પછી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી અને ૧૯૯૪-૯૫માં તેઓ ગુજરાતમાં કેબિનેટ મિનિસ્ટર હતા. રાજકોટમાં તેઓ વર્ષ ૨૦૦૨ સુધી લાગલગાટ શહેર કોંગ્રેસ પ્રમુખ હતા અને કાર્યકાલમાં કોંગ્રેસ ધબકતી હતી. ગરીબ કે મજૂર વર્ગના અરજદારને આપ કહી વિનયી સંબોધન અને અધિકારીઓને તેઓ પ્રજાના સેવક છે તેવો અહેસાસ કરાવવાની તેમની આગવી શૈલી હતી. પૂર્વ મેયર અશોક ડાંગરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, રાજકોટ આમ તો ભાજપનો ગઢ રહ્યો છે, પણ વર્ષ ૨૦૦૧માં પ્રથમવાર કોંગ્રેસને જંગી બહુમતિથી મહાપાલિકાની ચૂંટણીમાં દાદાના નેતૃત્વને કારણે વિજય મળ્યો હતો. ટીકા કે વિરોધ કરનારા પ્રતિ પણ દિલથી આદરભાવ રાખવો, લોકશાહીમાં દૃઢ વિશ્વાસ, વિદ્વાન અને લડાયક નેતૃત્વ વગેરે ગુણો જોતા આજના યુગમાં આવા રાજકારણી મળવા અશક્ય છે.
દસેક વર્ષથી રાજકારણથી ક્રમશઃ અલિપ્ત રહેલા મનોહરસિંહજીના પુત્ર માધાંતાસિંહ દસેક વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા, પણ દાદાએ કોંગ્રેસી તરીકેની ઓળખ આજીવન રાખી. રાજકોટ રાજ્ય પર ઈ.સ. ૧૬૧૦થી ૧૯૫૦ સુધીના ૩૪૦ વર્ષમાં ૧૫ રાજવીઓએ રાજ કર્યું છે જેમાં ૧૮૬૨થી ૧૮૯૦ બાવાજીરાજ અને ૧૮૯૦થી ૧૯૩૦ સુધી લાખાજીરાજનો સમયગાળો રાજ્યનો સુવર્ણકાળ રહ્યો હતો. એ પછી મનોહરસિંહજીનું નેતૃત્વ પણ વખાણાયું હતું.