ભાવનગરઃ રૂ. ૮ર૦ કરોડના ખર્ચે નારી અને અધેલાઈ વચ્ચે બનનારા નેશનલ હાઈવે નંબર- ૭પ૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ૧૨મી ઓગસ્ટે કર્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્ત્વ છે. યુવાનોમાં કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ અને કેરેક્ટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે. લોકશાહીનું જતન થાય અને દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારિત રાજનીતિ દૂર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે. નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નગરમાં આવવાનો મને અવસર મળ્યાનો આનંદ છે.
મહાનુભાવોની સરાહના
ગુજરાતના પનોતા પુત્ર વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઈનો ૧૨મીએ જન્મદિવસ હતો તેથી વૈજ્ઞાનિકને યાદ કરીને ઉપરાષ્ટ્રપતિએ દેશના વિકાસમાં ગુજરાતના મહાન સપૂતો મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને આજના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગદાનની સરાહના કરી હતી.
પછાત વર્ગનું ઉત્થાન
તેમણે જણાવ્યુ કે, વર્ષ ર૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ર૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય થયું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઈ ૬૦,૦૦૦ કિ.મી.ના ગ્રામીણ માર્ગો બનશે. ગામડાઓને ઓપ્ટીકલ ફાઈબર અને વીજ જોડાણથી જોડાઈ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પછાત વર્ગોનું ઉત્થાાન કરીને સર્વસ્પર્શી વિકાસને પ્રાથમિકતા આપી દેશને ભય, ભ્રષ્ટાચાર અને અત્યાચારથી મુક્ત બનાવવો છે.
અમદાવાદ - ભાવનગર સંપર્ક સરળ
વર્લ્ડ બેંક અને વર્લ્ડ ઈકોનોમીક ફોરમના રિપોર્ટની વિગતો સાથે નાયડુએ જણાવ્યુ કે, ચારમાર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે. ઉપરાષ્ટ્રપતિના હસ્તે ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ હેઠળ ભાવનગરમાં ૮પર અને મહુવામાં ૩૩૬ આવાસોનું ડિજીટલ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ભાવનગરને અમદાવાદ સાથે જોડતા રોડની વર્ષોથી માગ કરાઈ રહી હતી. આજે તેની શુભ શરૂઆતથી અમદાવાદ - ભાવનગર વચ્ચે ઝડપી સંપર્ક શક્ય બની શકશે.
મનસુખ માંડવિયાના પુસ્તકનું વિમોચન
૧૨મી ઓગસ્ટના રોજ જ ઉપરાષ્ટ્રપતિના હસ્તે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયાના સાંસદ તરીકેના અનુભવો આલેખતું ‘માય જર્ની ઈન પાર્લામેન્ટ’ પુસ્તકનું પણ વિમોચન પણ કરાયું હતું.