પાલિતાણાઃ દારૂના વ્યસનને લીધે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધ્યાં છે. આ કારણોસર પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાએ સંતરા, તુલસી, ગૌમૂત્ર અર્ક, ચીકુમાંથી સ્ટ્રોંગ દેશી આયુર્વેદિક દારૂ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦૦થી વધુ લોકોએ દારૂના વ્યસનથી મુક્તિ મેળવવા ભૂવડ દેશી દારૂ ખરીદ્યો છે. એટલું જ નહીં આયુર્વેદિક દેશી દારૂ બનાવવાની રીત શીખી લીધી છે. નાથાભાઈનું કહેવું છે કે, દારૂના વ્યસનનો આ એક અકસીર વિકલ્પ છે. વ્યસનીઓની માનસિકતા એવી હોય છે તેમને દારૂ-તમાકુ છોડવા માટે દવા લેવી ગમતી નથી. એટલે આયુર્વેદિક દવાને બદલે દેશી આયુર્વેદિક દારૂ, ગાંજો, અફીણ નામ રાખવામાં આવ્યું છે. જેથી લોકોને વ્યસન કરી રહ્યાનો અહેસાસ થાય. વિકલ્પ થકી વ્યસન મુક્તિ એ જ એક માત્ર ધ્યેય છે. આ આયુર્વેદિક દવાઓ નિરોગી જીવન માટે ઉપયોગી છે. કિડની-પેટના રોગોમાં સારી અસર કરે છે. આ આયુર્વેદિક દવાઓ વેચાણ માટે નહીં, બલકે દારૂના વ્યસનીઓને ભૂવડ આયુર્વેદિક દારૂ બનાવવાની રીત પણ શીખવવામાં આવે છે.
માત્ર આયુર્વેદિક દેશી દારૂ જ નહીં, પણ અરડૂસી, લીમડો, કાથો, તજ અને તુલસીની બનેલી આયુર્વેદિક ગુટખા પણ બનાવાઈ છે. જેઠીમધ, અરડૂસી, વરિયાળી અને તજમાંથી આયુર્વેદિક બીડી બનાવાઈ છે. જે બીડીના વ્યસનીઓ માટે વૈકલ્પિક ઉપાય છે. આ જ પ્રમાણે છીંકણી ઘસીને નશાનો આનંદ મેળવનારા વ્યસનીઓ માટે પણ મરેજી, હિમજમાંથી ખાસ પ્રકારની આયુર્વેદિક છીંકણી પણ બનાવાઈ છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ગાંજા, અફીણનો વપરાશ છે ત્યારે નાથાભાઈ ચાવડાએ હિમજ, કરિયાતાનું પાણી, પિપરમૂળ અને ખાંડમાંથી આયુર્વેદિક અફીણ બનાવ્યું છે.
છેલ્લા બે વર્ષથી નાથાભાઈ ચાવડા સમગ્ર પાલીતાણા વિસ્તારમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓએ પોતાની કોઠાસૂઝ અને આયુર્વેદની જાણકારીને આધારે હવે માંસાહાર કરતા લોકો માટે આયુર્વેદિક દવા શોધી કાઢી છે. લોકો માંસાહારને પણ છોડે તે દિશામાં પણ તેમના સતત
પ્રયાસો છે.