સોમનાથઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ૧૮મી જાન્યુઆરીએ વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ અગાઉ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, પરંતુ તેમના અવસાનને કારણે આ જગ્યા ખાલી પડી હતી. મોદીને ચેરમેન બનાવવા અંગે ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા અને ભારતના બીજા ક્રમના વડા પ્રધાન છે કે જે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા હોય. અગાઉ મોરારજી દેસાઇ પણ વડા પ્રધાન પદે હતા ત્યારે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા હતા. આ અગાઉ આ બેઠક ૧૧મી જાન્યુઆરીએ મળવાની હતી તે મોકૂફ રહી હતી. નોંધનીય છે કે ૧૧મી જાન્યુઆરી પહેલાં પણ એક વખત અનિવાર્ય સંજોગોના કારણે ફરી બેઠક મોકૂફ રહી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયાં હતાં.