રાજકોટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ રેકોર્ડ થવાના છે. આ માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ ૨૯મીએ હાજર રહીને વડા પ્રધાનની હાજરીમાં પ્રમાણપત્રો આપશે.
આ કાર્યક્રમ પહેલા દિવ્યાંગોને રેસકોર્સ સુધી પહોંચાડવા માટે તેમજ તેમના માટે જરૂરી સુવિધાઓ સભાસ્થળે રાખવા માટે પૂરતી તૈયારી કરાઈ રહી છે. ૫૦ હજારથી વધુ લોકો બેસી શકે તેવો વોટરપ્રુફ ડોમ અને સાથે એવું જ ભવ્ય સ્ટેજ બનાવાશે અને આ માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
દિવ્યાંગોને ૬ પ્રકારના સાધનો આપવાના છે. જેનો જથ્થો કાનપુર અને જયપુરથી આવી રહ્યો છે અને તેનું એસેમ્બલિંગ રેસકોર્સ મેદાનમાં શરૂ કરી દેવાયું છે. ટ્રાઇસિકલને જોડવામાં સારો એવો સમય જતો હોવાથી અગાઉથી જ તેના પાર્ટ જોડવા માટે ૮૬ ટેકનિશિયનો કાફલો કામે લાગી ગયો છે. અન્ય સાધનો પણ ધીમે ધીમે આવી રહ્યાં છે. આ સાધનોનો જથ્થો તૈયાર કરીને રેસકોર્સમાં જ રાખી દેવાશે અને ત્યાંથી જ વિતરણ કરાશે. સ્કૂલના બાળકોનાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ ચાલે છે.
દેશનો સૌથી મોટો લેઝર શો રેસકોર્સના ઊંચા બિલ્ડીંગ ઉપરથી યોજાશે અને તેનો નજારો લોકો માણી શકશે. આ ઉપરાંત વોટર સ્ક્રીન આધારિત લેઝર શો યોજવા પણ વિચારણા થઈ રહી છે.