અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી મહત્ત્વાકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરાશે અને તેનો ફરી ક્યારે પ્રારંભ થશે તેની સામે હાલ પૂરતો પ્રશ્નાર્થ છે. હાલ ૩ જાન્યુઆરીથી રો રો ફેરી સર્વિસનું ઓનલાઇન બુકિંગ પણ બંધ છે. આ અંગે તંત્ર દ્વારા જણાવાયું છે કે, દહેજમાં લિન્ક સ્પાન પહેલેથી જ ફિટ કરાયો છે, પરંતુ કુદરતી ‘ઓખી’ વાવાઝોડા સહિતની કુદરતી પ્રતિકૂળતાને પગલે ઘોઘાનો લિન્ક સ્પાન ફિટ કરવામાં અડચણ નડી રહી છે. લિન્ક સ્પાન નહીં હોવાથી તેના સ્થાને ટેમ્પરરી વોક-વે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. હવે ઘોઘામાં પણ લિન્ક સ્પાન ઇન્સ્ટોલ કરવા માટે ૩ જાન્યુઆરીથી ફેરી સર્વિસ થોડા સમય માટે બંધ કરવી પડી છે.