સુરેન્દ્રનગર: વઢવાણ શહેરમાં ખારવાની પોળમાં રહેતા દેવુબાના પુત્ર લાન્સનાયક ભરતસિંહ દીપસિંહ પરમારનું પોસ્ટિંગ છેલ્લે અરુણાચલ પ્રદેશમાં થયું હતું.
અરુણાચલ પ્રદેશમાં ફરજ પર જ ભરતસિંહ શહીદ થતાં તેઓનાં પાર્થિવદેહને વતન વઢવાણ લવાયો હતો. ખારવાની પોળ કારડિયા રાજપૂત સમાજ ભવન ખાતે ૨૮મી ફેબ્રુઆરીએ મહાનુભાવો અને સમાજના આગેવાનોએ તેમના મૃતદેહને સલામી આપીને દર્શન કર્યાં હતાં. ભરતસિંહ અને તેમનાં પત્ની ખમ્માબાનાં દસ વર્ષનાં પુત્ર વિશ્વરાજસિંહે શહીદને તોપોની સલામી વચ્ચે અંતિમ સંસ્કાર કરતાં સૌની આંખો ભીની થઈ હતી. સ્મશાનમાં ઉપસ્થિત હજારો લોકોએ વીર શહીદ અમર રહોના નારા સાથે મૃતકને અંતિમ વિદાય આપી હતી.
શહીદની યાદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લાની શાળા - કોલેજોમાં મૌન પાળવા અપીલ કરાઇ હતી અને જિલ્લાના હજારો વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળી શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ ભરતસિંહનો પુત્ર વિશ્વરાજસિંહ સુરેન્દ્રનગરની સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ ૫માં અભ્યાસ કરે છે. શાળાએ તેની ધોરણ ૧૨ સુધીના અભ્યાસની ફી માફ કરી દેવાની જાહેરાત કરી છે.