જૂનાગઢઃ એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ ગીર જંગલમાં ૧૬મી ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ થતાં સિંહદર્શન માટે પ્રવાસીઓની ગીર જંગલમાં ભીડ રહેશે. ચોમાસાની સિઝનના લીધે રસ્તા ધોવાઈ ગયા હોવાથી અને વન્ય પ્રાણીઓનાં મેટિંગ પીરિયડને ધ્યાનમાં લઈને ગીર વન વિસ્તારમાં ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. ૧૬મી ઓક્ટોબરથી રાબેતા મુજબ વન વિસ્તારમાં મુસાફરોને પ્રવેશની છૂટ હોવાથી દિવાળીમાં ગીરમાં ભીડ રહેવાની વનવિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
પ્રવાસીઓની સુવિધા માટે વનતંત્ર દ્વારા હવે સો ટકા ઓનલાઇન પરમિટ પ્રથા અમલી બની છે અને ગીરમાં હરવા ફરવા માટેનું આગામી ત્રણ માસનું એડવાન્સ બુકિંગ પણ પ્રવાસીઓ દ્વારા થઈ ગયું છે. તેના પરથી ગીરમાં હવે ભીડ રહેવાના અહેવાલ વનતંત્રએ આપ્યા છે. વનતંત્રએ એ પણ જણાવ્યું છે કે, સહેલાઈથી ઓનલાઈન બુકિંગ અને પ્રવાસીઓમાં ગીર માટેનું આકર્ષણ વધવાના કારણે છેલ્લાં કેટલાક સમયથી ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.
પ્રવાસીઓની સલામતી બાબતે વનવિભાગે જણાવ્યું હતું કે, રાજ્યના વનવિભાગ દ્વારા જંગલમાં પ્રવાસીઓને લઈ જતી જીપ્સી વાનને પણ હવે જી.પી.એસ. સિસ્ટમથી લીંકઅપ કરાય છે. તેનાથી પ્રવાસીઓ અને વનતંત્ર વચ્ચેનો સંપર્ક જળવાઈ રહે છે.