રાજકોટ: વાયુ વાવાઝોડાંની અસરથી સૌરાષ્ટ્રમાં ડિપ્રેશન આકાર લઇ રહ્યું છે. ડિપ્રેશનથી વરસાદ વરસી પડશે તેવી આશાએ ખેડૂતોએ ઓરવીને મગફળી અને કપાસના વાવેતર આરંભી દીધાં છે. ખેડૂતો પાસે ઓછી જમીનો હતી તેમણે વાવેતર આટોપી લીધાં છે. અલબત્ત વરસાદની આગાહી થઇ રહી હોવાથી હજુ ઘણાં ખેડૂતો વાવેતર કાર્ય પૂર્ણ કરી લેવાની ગણતરીમાં છે.
ગુજરાત રાજ્યના કૃષિ ખાતા પાસેથી મળેલી માહિતી પ્રમાણે ૧૮ જૂન સુધીમાં ૨.૦૭ લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. પાછલા વર્ષે આ સમયે વરસાદની ખેંચ વચ્ચે પણ ૨.૨૫ લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. નવા સપ્તાહના આંકડા નોંધપાત્ર વધશે પણ ખરાં. જોકે મોટાંભાગનું વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. મે મહિનાના આકરાં તાપ પછી સૌરાષ્ટ્રમાં જૂનના આરંભથી સામાન્ય રીતે ઓરવીને અર્થાત પાણી કે ભેજ વિનાની સૂકી જમીનમાં વાવેતરનું જોખમ ખેડૂતો કરતા હોય છે.
આ વર્ષે મગફળીનું ઓરવીને ૨૨,૮૭૫ હેક્ટરમાં વાવેતર થયું છે. અગાઉના વર્ષમાં ૩૭,૭૮૮ હેક્ટરમાં વાવેતર હતુ. કપાસનું વાવેતર ૧.૩૯ લાખ હેક્ટર સામે ૧.૬૦ લાખ હેક્ટરમાં થયું છે. કપાસ અને મગફળીના વાવેતર સામાન્ય રીતે ૧૫ જૂન આસપાસ સૌરાષ્ટ્રમાં થાય છે. જોકે ચાલુ વર્ષે વાયુ વાવાઝોડું આવવાની આગાહી હતી. એ કારણે વરસાદ પણ પડશે તે ગણતરીએ ખેડૂતોએ વાવણી કરી છે.