ભાવનગરઃ વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ નાના ભાવનગરમાં કોઈ પણ નવી કાર આવતાંથી સાથે જ દોડતી દેખાય છે. આ શોખ રજવાડા વખતથી ચાલ્યો આવે છે. જે સમયે ઘોડાથી ખેંચાતી ખુલ્લી કે બંધ બગીઓમાં લોકો ફરતા હતા ત્યારે ભાવનગરમાં પહેલી કાર મહારાજા ભાવસિંહજી બીજા વર્ષ ૧૯૦૩માં લાવ્યા હતા. ત્યારબાદ છેક ૭ વર્ષ પછી ૧૯૧૦માં અમદાવાદ જેવા મોટા શહેરમાં પહેલી કાર ગર્ભશ્રીમંત પરિવારના અંબાલાલ સારાભાઈના ઘરે આવી હતી.
રજવાડા વખતમાં એસ.એસ.વી .(સૌરાષ્ટ્ર સ્ટેટ વ્હીકલ)માં વાહનોની નોંધણી થતી હતી. ત્યારબાદ આર.ટી.ઓ.ની રચના કરાઈ હતી. આર.ટી.ઓ.ના ચોપડે પ્રથમ કાર છેક ૧૯૬પમાં નોંધાઈ છે. રજવાડા સમયે ભાવનગરમાં ૧૯૦૩માં પહેલી કાર ખરીદનાર મહારાજા ભાવસિંહજી બીજા ૧૮૯૬થી ૧૯૧૯ સુધી ભાવનગરની ગાદી પર બેઠા હતા. ૧૯૧૯માં તેઓનો સ્વર્ગવાસ થયો હતો.
આર.ટી.ઓ.ના ચોપડે સૌપ્રથમ નોંધાયેલા વાહનોની વાત કરીએ તો આર.ટી.ઓ.માં સૌપ્રથમ ફોર વ્હીલર વાહન ૯-૧ર-૧૯૬૧માં નોંધાયું હતું, જે જીપ હતી. આ જીપ નં.જી.જે.એસ.ર૬૦૧ એક્ઝીક્યુટીવ ઈજનેર જીઈબી સબ સ્ટેશન ધોળાના નામે નોંધાયેલી છે. જી.જે.એસ.ર૬૦૧ થી જી.જે.એસ.૩૩૦૦ સુધી માત્ર જીપની નોંધણી જ થયેલી છે. ત્યારબાદ ર૦-૧ર-૧૯૬૩ના રોજ પ્રથમ ટ્રેક્ટર નં.જી.જે.એસ.૩૬૦૧ ચિત્રા ગામના મોહનલાલ ખોડીદાસ પટેલના નામે નોંધાયેલુ છે. જી.જે.એસ. ૩૬૦૧ થી જી.જે.એસ.પ૦૦૦ સુધી ટ્રેક્ટરના પાસીંગ થયા હતા. ત્યારબાદ પ્રથમ કાર ૧૯૬પમાં નોંધાઈ હતી. જેનો નં. જી.જે.એસ.પ૦૦૧ છે. આ કાર કોના નામે નોંધાયેલી છે તે આર.ટી.ઓ.ના વર્ષો જૂના ચોપડાના પ્રથમ ચાર પાના ફાટી ગયેલા હોવાથી જાણવા મળ્યું નથી.
આ ચોપડામાં પાંચમાં પાના પર નોંધાયેલી પાંચમી કાર સર તખ્તસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જનના નામે નોંધાઈ છે. આ કાર બેનાનલ્ટ કંપનીની હોવાનું વંચાઈ રહ્યું છે.