અમરેલીઃ નકલી સહીઓ કરી કરીને જમીનના આશરે ૪૦૦ જેટલાં ખોટાં દસ્તાવેજોથી છેતરપિંડીનો પ્રયાસ અમરેલીમાં થયો હોવાનું બહાર આવ્યું છે. આ નકલી સહી કોઈ સામાન્ય વ્યક્તિઓની નહીં, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દેશના દિગ્ગજ નેતાઓની કરાઈ છે.
આઝાદી સમયના અને ત્યાર પછીના નામાંકિત નેતાઓની નકલી સહી કરીને જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા છે તેમાં અંદાજે ૪૫ ટકા જમીન અમરેલી શહેરની છે. આ તમામ દસ્તાવેજ ૭૨ વર્ષીય વાલી મેતર તેના બે મિત્ર યુસુફ મોતીવાલા અને વિનોદ ભાડે ખૂબ સાવચેતીપૂર્વક અને લુચ્ચાઈ સાથે તૈયાર કર્યાં છે. આરોપીઓ દ્વારા આ દસ્તાવેજોને જૂના જમાનાના દસ્તાવેજ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ આખા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર વાપીમાં રહેતો ૭૨ વર્ષનો વાલી મેતર છે. આ ત્રણેય ષડયંત્રકારોમાંથી બે યુસુફ મોતીવાલા અને વિનોદ ભાડની અટકાયત કરાઈ છે. અટકાયત કરાયેલા બન્ને આરોપીઓએ વાલી મેતરને પાવર ઓફ એટર્ની આપી હતી. અમરેલી કલેક્ટર, એસપી અને ગાંધીનગરની ડિરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સની ટીમે આઠ માસની લાંબી તપાસ બાદ આ છેતરપિંડીના ગુપ્ત પ્લાનને પકડી પાડયો હતો.
અમરેલીના પોલીસ અધિકારીના મતે તમામ દસ્તાવેજો જૂના જમાનાના દસ્તાવેજ જેવું સ્વરૂપ અને આકાર મુજબના છે. ગાયકવાડ યુગમાં જે દસ્તાવેજો હતા તેવા જ આ દસ્તાવેજો છે. તમામ દસ્તાવેજો ગુજરાતીમાં છે. જે ૭થી ૮ ફૂટ લાંબા કપડાં અને કાગળોમાં વીંટાયેલા છે.
વર્ષ ૨૦૦૮થી વાલી મેતરનો દાવો છે કે અમરેલીમાં જ્યારે ગાયકવાડનું શાસન હતું ત્યારે આ જમીન તેના દાદા ગોરા ડોસાને આપવામાં આવેલી છે. આઝાદી બાદ ગાયકવાડે તેમનું રાજ્ય ભારતમાં ભેળવી દીધું ત્યારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન કેન્દ્રિય ગૃહ પ્રધાન સરદાર પટેલે આ જમીન તેમને એટલે કે ગોરા ડોસાને ભેટમાં આપેલી છે. તેના દાદાએ આ જમીન વર્ષ ૧૯૫૦ અને ૧૯૫૧માં રાજ્ય સરકારને ભાડા કરાર પર આપેલી છે. મેતરની માગ છે કે આ જમીન તેને પરત આપો અથવા તો વર્ષ ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯માં કેટલીક જમીનના ભાડા કરાર પૂરા થયેલા છે તો તે સમયના બજાર ભાવ મુજબ વળતર આપો.
જોકે માર્ચ ૨૦૧૯માં જિલ્લા કલેક્ટરે તેની માગને ફગાવી દીધી હતી. આ દાવાને સાબિત કરતો કોઈ રેવન્યૂ રેકર્ડ મળતો ન હોવાથી કલેક્ટરને સમગ્ર કેસમાં છેતરપિંડીની શંકા જતા તેમણે આ ગુનાહિત વિવાદની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી.
નકલી સહી કરવામાં ખૂબ જ કાળજી રખાઈ
તપાસ કરનાર અધિકારીના મતે ષડયંત્રકારોએ નકલી સહી કરવામાં ખૂબ જ કાળજી રાખી હતી જેથી એસઆઇટીને શંકા ગઈ હતી. આ દસ્તાવેજમાં આઝાદીના જે લડવૈયાઓની સહી કરાઈ છે. તેમાં જરા પણ ભૂલ ન હતી. સામાન્ય રીતે વ્યક્તિ પોતાની સહી કરે તો પણ તેમાં થોડો ફરક હોય છે. આરોપીઓએ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને રીતનો ઉપયોગ કર્યો હતો. એફએસએલએ ખાતરી કરી છે કે ષડયંત્રકારોએ નકલી દસ્તાવેજ બનાવ્યા છે અને આ દસ્તાવેજ જૂના જમાનાના નથી.
જૂનો દેખાવ આપવા ખાસ કેમિકલ વાપર્યું
તપાસ કરનાર અધિકારીના મતે દસ્તાવેજો સો વર્ષ કે તેથી વધુ જૂના લાગે તે માટે આરોપીઓએ દસ્તાવેજો બનાવવા માટે ખાસ પ્રકારનું કેમિકલ તૈયાર કર્યું હતું. તેમણે દસ્તાવેજ બનાવ્યા બાદ ઇન્ટરનેટ પરથી નકલ કાઢી હતી. એ પછી ગાયકવાડ સરકારના સીલ અને નકશી કામવાળા સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો. ડો. આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવોની બોગસ સહી અલગ-અલગ જગ્યા પર કરી અને દસ્તાવેજ તૈયાર કર્યા હતા. કેટલાક દસ્તાવેજમાં આ નેતાઓને સાક્ષી તરીકે બતાવ્યા છે. પોલીસ સૂત્રોના મતે સુરતનો કોઈ બિલ્ડર વાલી મેતરના સંપર્કમાં હતો અને તે આ જમીન આપવા
માગતો હતો.