વાંકાનેર: નગરના ૧૫મી પેઢીના રાજવી તેમજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન દિગ્વિજયસિંહજી ઝાલાનો ૮૯ વર્ષની વયે જીવનદીપ બુઝાયો છે. રાજવી પરિવાર સહિત પ્રજાજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સદગતને શ્રધ્ધાંજલિ આપવા વાંકાનેરના વેપારીઓએ અડધો દિવસ ધંધા અને રોજગાર બંધ રાખ્યા હતા.
વાંકાનેર રાજવી પરિવારના મોભી દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનો ૮૯ વર્ષની જૈફ વયે શનિવારે રાતે જીવનદીપ બુઝાયો હતો. રવિવારે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને લોકો શ્રદ્ધાંજલિ અર્પી શકે તે માટે પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો. બાદમાં અમરસિંહજી હાઇસ્કુલ સામેના સ્મશાનમાં સંપૂર્ણ માન સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના પુત્ર કેશરીદેવસિંહ એકમાત્ર વારસ છે.
ભારતના સૌથી મોટા ક્ષત્રિય સંગઠનના પ્રમુખ
તેઓએ ગુજરાત હેરિટેજ હોટેલ એસોસિએશનના ફાઉન્ડિંગ મેમ્બર તથા પ્રમુખ તરીકેનું પદ ૨૦ વર્ષ શોભાવ્યું હતું. આ ઉપરાંત રાજકોટની રાજકુમાર કોલેજમાં ટ્રસ્ટી હતા. સાથે સાથે જ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કે જે દેશનું સૌથી જૂનું અને મોટું ક્ષત્રિય સંગઠન ગણાય છે તેના ૧૯૮૯થી સતત અત્યાર સુધી પ્રમુખ સ્થાને રહ્યા હતા.