ધોરાજી: ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની એમી બેરા કેલિફોર્નિયામાંથી અમેરિકન સંસદમાં સાંસદ તરીકે તાજેતરમાં વિજેતા બન્યા છે. આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતી જય પટેલે જણાવ્યું હતું કે, ધોરાજી તાલુકાના વાડોદર ગામના બાબુભાઈ બેરાના પુત્ર એમી બેરાએ અમેરિકાના કેલિફોર્નિયાથી બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાતા વાડોદર ગામની સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. એમી બેરા અમેરિકામાં સાંસદ થયાના સમાચારો વાડોદરમાં ગ્રામજનોને મળતાં જ ગામજનોમાં ખુશી ફેલાઈ હતી અને ગામમાં મીઠાઈ વિતરણ કરી લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
અમેરિકાથી જય પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ચૂંટાયેલા ભારતીયોની સંખ્યા પાંચ સુધી પહોંચી છે. એમી બેરા ત્રીજી વખત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૫૧ વર્ષનાં અમી બેરા પહેલી વખત ત્રણ ભારતીય અમેરિકનો સાથે યુએસ કોંગ્રેસમાં જોડાયા છે.
સતત ત્રીજી વખત ચૂંટાવાનો રેકોર્ડ
એમી બેરાનો વિજય થતાં તેઓ સતત ત્રીજી વખત યુએસ કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલા ભારતીય અમેરિકન બન્યા છે અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અગાઉ ૧૯૫૭-૧૯૬૩માં કોંગ્રેસમેન દિલીપાસિંહ સૌંડ સતત ત્રણ મુદત માટે અમેરિકી સંસદમાં ચૂંટાઈ આવેલા ભારતીય હતા. આ અગાઉ બેરા ૨૦૧૨ અને ૨૦૧૪માં અનુક્રમે ૯૧૯૧ અને ૧૪૫૫ મત સાથે વિજયી બન્યા હતા. યુએસ કોંગ્રેસની ચૂંટણી લડવા માટે ઓબામાએ બેરાની પસંદગી કરી હતી. અગાઉ એમી બેરાના ચૂંટણી પ્રચાર માટે બિલ ક્લિન્ટને પણ પ્રચાર કર્યો હતો.
એમીનો અમેરિકામાં જન્મ
એમી બેરા અમેરિકામાં તબીબ છે. તેઓએ છેલ્લા ત્રણ વખતથી અમેરિકન સાંસદ તરીકે ચૂંટાતા જુદી જુદી કમિટીમાં કામ પણ કર્યું છે. શ્રેષ્ઠ કામગીરીમાં પણ તેઓનું નામ મોખરે છે. તેમના પિતા બાબુભાઇ બેરા ભારતના વતની હતા અને તેઓ અમેરિકામાં સ્થાયી થયા પછી ૧૯૬૫માં એમી બેરાનો અમેરિકામાં જન્મ થયો હતો જેથી એમી અમેરિકન નાગરિકનો દરજ્જો ધરાવે છે.
અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી અને ગુજરાતી જય પટેલે જણાવ્યું હતું કે, રાજકીય વિશેષજ્ઞોનું પણ માનવું છે કે ભવિષ્યમાં અમેરિકન કેબિનેટમાં પણ એમી બેરા સ્થાન પામે તો નવાઈ નહીં.