રાજકોટઃ ફેંકી દેવાતા વાસી ટનબંધ શાકભાજી અને એંઠવાડ ઠેરઠેર દુર્ગંધ ફેલાવતા હોય છે. આવા કચરામાંથી નાના પાયે ખાતર બનાવવાની શરૂઆત રાજકોટ મહાપાલિકાએ ૨૨મી ડિસેમ્બરથી કરી છે. જ્યુબિલી શાકમાર્કેટે ૨૦૦ કિલોની ક્ષમતાના ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાંથી જમીનને ફળદ્રુપ કરતું ખાતર રોજ ૬૦થી ૮૦ કિલો ઉત્પન્ન થશે.
જોકે આ ખાતરની ક્વોલિટી શુદ્ધ ખાતર જેટલી હોતી નથી, પણ કોઈ પણ નાના-મોટા ઉદ્યાનો કે જ્યાં વૃક્ષારોપણ થાય છે ત્યાં જમીનને ફળદ્રુપ કરાવવાની તે ક્ષમતા ધરાવે છે તેમ નાયબ એન્જિનિયર અંબેશ દવેએ જણાવ્યું હતું.
મ્યુનિસિપાલિટી અનુસાર આવા ૮ મશીનો ટૂંક સમયમાં જુદા જુદા સ્થળે મુકાશે, ઉપરાંત ૫૦૦૦ કિલોની ક્ષમતાવાળા બે પ્લાન્ટ રૈયાધાર સહિતના સ્થળે મુકવાની કામગીરી પણ ચાલુ છે. એંસી ફૂટના રોડ પર ભાભા એટમિક રિસર્ચ સેન્ટર દ્વારા ૫ ટનની ક્ષમતાનો પ્લાન્ટ કે જેમાં ખાતર નહીં પણ જ્વલનશીલ ગેસ બનાવવાનો છે તે બે માસમાં કાર્યરત થશે.