વાહ ક્યા સીન હૈ...

એકસાથે 18 વનરાજનો મુકામ

Wednesday 13th July 2022 07:01 EDT
 
 

ભારત દેશના ગૌરવરૂપ સાસણ ગીરના જંગલમાં જેમનું નિવાસસ્થાન છે તેવા એશિયાટિક લાયનનો અદભુત નજારો સામે આવ્યો છે. ગીર જંગલમાં એક સાથે 18 સિંહ બેઠા હોય તેવી તસ્વીર કેમેરામાં કેદ થઇ છે. આ અગાઉ 9, 11, 14 અને 16 સિંહોના સમૂહની અલભ્ય તસ્વીરો કેમેરામાં કેદ થઈ છે, પરંતુ અહીં રજૂ થયેલી તસવીરમાં એક સાથે 18 વનરાજ છે. 30,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ગીર જંગલમાં 674 સિંહ વસવાટ કરી રહ્યા છે. પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિને ભૂષણ પંડયા અને તેમના પત્ની પ્રીતિ પંડયા જીપ્સીમાં ગીર જંગલની મુલાકાતે હતા. શરૂમાં રાયડી પાસે બે સિંહણ અને ત્યાંથી આગળ ગડકબારી વોટરહોલ પાસે બે સિંહણ અને ત્રણ માસના પાંચ પાઠડા (સિંહબાળ)નો સમૂહ બેઠેલો જોવા મળ્યો. પળભરમાં બંને સિંહણ અને બચ્ચા ઉભા થઇને ખુલ્લા મેદાનમાં બેઠા તે સાથે જ પંડ્યા દંપતીના આશ્ચર્ય વચ્ચે ચાર સિંહણ અને નવ બચ્ચા સાથેનો 13 સિંહનો સમુહ એક પછી એક ખુલ્લા મેદાનમાં આવી બેસી ગયા. દંપતીની નજર સામે એક સાથે 18 સિંહો હતા.
અગાઉ વર્ષ 1971માં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીના યુગમાં વિખ્યાત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સ્વ. સુલેમાન પટેલે એક ફ્રેમમાં નવ સિંહોનો ફોટો લીધો હતો, જેની દેશ-વિદેશમાં નોંધ લેવાઇ હતી. આ પછી 1990ના દાયકાના અંતમાં આઈએફએસ બી.પી. પંત દ્વારા 11 સિંહોની તસ્વીર કલર ફ્રેમ પર ઝડપાઈ. આ પછી આઈએફએસ ડો. સંદીપ કુમારે ડિસેમ્બર 2011માં 14 સિંહોના પ્રાઈડની તસ્વીર કેમેરામાં કેદ કરી હતી. અને છેલ્લે 2016માં આઈએફએસ ડો. ટી. કુરુપ્પાસામી અને ડો. સક્કીરા બેગમ દ્વારા 16 સિંહોની અદભૂત તસ્વીર લેવાઈ હતી. હવે 18 સિંહોની તસ્વીર કેમેરામાં કેદ કરીને પ્રીતિબહેને આગવી નામના મેળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter