રાજકોટઃ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ તરફથી વિજય રૂપાણીએ સંતો, મહંતોના આશીર્વાદ, ઢોલ-ત્રાસાના નાદ અને ટેકેદારોના પ્રચંડ સમર્થન વચ્ચે વીસમી નવેમ્બરે બપોરે ૧૨.૩૯ કલાકના શુભ મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પૂર્વે બહુમાળી ભવન ચોકમાં યોજાયેલી જાહેરસભામાં તેમણે ભાજપની વિકાસગાથા વર્ણવી હતી અને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
વીસમીએ સવારથી મુખ્ય પ્રધાને તેમનાં પત્ની અંજલિબહેન સાથે સ્કૂટર પર બેસી રણછોડદાસજી બાપુના આશ્રમ, ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર, સદર ઉપાશ્રય, દાદાવાડી તીર્થ અને દેવ, સંતો-મહંતોના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. રાજકોટના આજીડેમમાં નર્મદા નીરનું પૂજન કરી બહુમાળી ભવનમાં જાહેરસભા તેમણે સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ‘ડિસેમ્બર મહિનામાં આજીડેમ તળિયા ઝાટક હોય છે. તેના બદલે આ વર્ષે પાણીથી છલોછલ છે. કોંગ્રેસ માટે વિકાસ મજાક હશે, અમારા માટે મિજાજ છે. ભાજપની સરકારે ગરીબો ઘરે લાકડાના ચૂલા ફૂંકાતા ત્યાં ગેસના બાટલા પહોંચાડ્યા છે. વિકાસ ગરીબોના ઘરમાં શૌચાલય બનાવી ઇજ્જત આપી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.