વિદેશવાસી ગુજરાતી સર્જકો દ્વારા રચાતા ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને સંશોધન અર્થે કાર્યરત રાજકોટસ્થિત સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ (GRIDS) તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી ભવનના સંયુક્ત ઉપક્રમે ૨ ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં ‘ગુજરાતી ડાયસ્પોરા સારસ્વતો સાથે સંવાદ’ શીર્ષક હેઠળ એક દિવસીય પરિસંવાદનું આયોજન થયું હતું. આ પ્રસંગે અમેરિકન-ગુજરાતી ડાયસ્પોરા સર્જક સ્વ. કિશોર રાવળના વાર્તાસંગ્રહ ‘અમે ભાનવગરના-૨’નું વિમોચન પણ થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભાનુભાઈ પંડ્યા, વલ્લભ નાંઢા, પ્રફુલ્લ અમીન અને જય ગજ્જર જેવા ગુજરાતી ડાયસ્પોરા સર્જકો સાથે યોજાયેલા આ સંવાદ અને પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યાપકો, નગરજનો તથા ભાષાભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. GRIDSના નિયામક અને જાણીતા સંશોધક ડો. બળવંત જાનીએ સંસ્થા તથા આમંત્રિત સર્જકોનો પરિચય કરાવ્યો હતો. તેમણે વિદેશમાં સર્જાતા ગુજરાતી સાહિત્યનો લઘુ આલેખ રજૂ કરીને તેના સંશોધનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. હિન્દી ભવનના અધ્યક્ષ ડો. બી.કે. કલાસવાએ સ્વાગત વકતવ્ય આપ્યું. તેમણે આફ્રિકામાં થયેલા ગુજરાતી પ્રજાના માઇગ્રેશન અંગે અવલોકનો રજૂ કર્યા હતા. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યસંચય અને સંશોધન ક્ષેત્રે ડો. બળવંત જાનીના પ્રદાનની ડો. કલાસવાએ વિશેષ નોંધ લીધી.
મંચસ્થ મહાનુભાવોના હસ્તે ‘અમે ભાનવગરના-૨’ વાર્તાસંગ્રહ ખુલ્લો મુકાયો હતો. સર્જકના પત્ની કોકિલાબહેન રાવળે જણાવ્યું કે, શુદ્ધ ભાષા-સાહિત્ય પ્રીતિ અને પરિજનોની સહિયારી મદદથી આ રચનાઓને ગ્રંથસ્થ કરવાનું કાર્ય તેઓ પૂર્ણ કરી શક્યાં છે.
કાર્યકારી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વિદેશવાસી ભારતીય સર્જકો તથા નાગરિકોની આયોજન કુશળતા, કાર્યપ્રતિબદ્ધતા અને શિસ્તપાલનના ગુણોની પ્રશંસાભરી નોંધ લીધી હતી. એમણે પૂર્વ-પશ્ચિમ શિક્ષણ પ્રણાલિની તુલના કરી અને અવલોકન રજૂ કર્યું કે, પશ્ચિમના દેશોમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે સહજ સંવાદમય વાતાવરણ વિશેષ માત્રામાં રહેલું છે. ડો. ચૌહાણે જીવનના ઉન્નત વિકાસમાં સાહિત્યના પ્રદાનની ચર્ચા કરી હતી.
કાર્યક્રમના બીજા તબક્કે આમંત્રિત ડાયસ્પોરા સર્જકો સાથે શ્રોતાઓનો સંવાદન યોજાયો. સંવાદ સંચાલક તરીકે ડો. બળવંત જાનીએ આરંભે અમર્ત્ય સેન અને અભિમન્યુ અનંત જેવા સર્જકોના દ્રષ્ટાંતો ટાંકીને નિવેદન રજૂ કર્યું હતું કે, સાહિત્યના વૈશ્વક સંદર્ભમાં આજે ભારતીય ડાયસ્પોરા સાહિત્યકારોની બોલબાલા વધી રહી છે.
આમંત્રિત ચારેય ડાયસ્પોરા સર્જકો- ભાનુભાઈ પંડ્યા, વલ્લભ નાંઢા, જય ગજ્જર તથા પ્રફુલ્લ અમીને પોતાની કેફિયતો આપી હતી. વિદેશમાં વસવાટનો અનુભવ, પોતે અનુભવેલી સમસ્યાઓ, તેમના દ્વારા થતી ગુજરાતી અને ભારતીય કલા-સાહિત્યની પ્રવૃત્તિઓ, તેમની પોતિકી સાહિત્ય વિભાવના, અહીંના સાહિત્યજગતનો તેમના પ્રત્યેનો અભિગમ જેવા મુદ્દાઓ આવરી લઈને સર્જકોએ રસપ્રદ રીતે પોતાની સર્જનયાત્રા શ્રોતાઓ સમક્ષ મૂકી આપી હતી.