રાજકોટઃ દીકરીના વયની વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરવાનો ઉપરાઉપરી ત્રીજો બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે. પીએચડીમાં એડમિશન અપાવવાના બદલામાં પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે અણછાજતી માગ કરી હોવાનો ઓડિયો ૨૪ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. હરેશ ઝાલાનો અવાજ હોવાનું કથિત રીતે સામે આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે ઝાલાને સસ્પેન્ડ કર્યાં છે તેમજ તેની ચેમ્બરને સીલ કરાઈ છે.
પીએચડીમાં એડમિશન અપાવવાની રજૂઆત કરવા એક વિદ્યાર્થિનીએ કરેલા ફોન કોલની ઓડિયો ક્લિપમાં સામે છેડેથી યુવતીને કહેવાય છે કે પીએચડીમાં એડમિશન પણ અપાવી દઈશ અને પ્રોફેસર પણ બનાવી દઈશ, પણ મારી એક ઈચ્છા છે, તું હા પાડ. યુવતી પૂછે છે કે શેની ઈચ્છા છે? સામે છેડેથી પ્રોફેસર કહે છે કે રાજકોટ જ છે?, તો આજે આવજે... મારે તારી હારે એક વાર ... માણવું છે... પાકું ને?
સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપનો આ સમગ્ર મામલો યુનિવર્સિટીના કાર્યવાહકો સમક્ષ આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં પ્રોફેસર તરીકે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલા હોવાનું સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી ચેમ્બર સીલ કરાઈ હતી. આગળની કાર્યવાહીમાં ઓડિયો ક્લિપમાં કોનો અવાજ છે તે પુરવાર કરવા એફએસએલમાં મોકલવામાં આવશે. તેમજ નિવૃત્ત જજને તપાસ સોંપાશે.