ભાવનગરઃ મૂળ ભાવનગરના પ્રમોદભાઈ વોરા નાનપણથી જ મુંબઈના ઘાટકોપરમાં રહીને ભણતા હતા. પિતા ન હોવાથી અને આર્થિક સંકડામણને કારણે તેમણે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે જવું પડતું હતું. પ્રમોદભાઈએ નાનપણથી જ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હું ભવિષ્યમાં ખૂબ જ મહેનત કરીને આગળ વધીશ અને જે અભાવ મને નડ્યો છે તેવો અવરોધ અન્ય વિદ્યાર્થીઓને નડે નહીં તે માટે ભવિષ્યમાં જરૂર સેવાયજ્ઞ કરીશ. પરિણામે આજે બિઝનેસમેન બની ગયેલા પ્રમોદભાઈ વ્યસ્તતામાંથી બાળપણના દિવસોને યાદ કરીને છેલ્લાં સાત વર્ષથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઇકલોનું વિતરણ કરી રહ્યા છે.
પ્રમોદભાઈ કહે છે કે, લોકો પોતાની જૂની થઈ ગયેલી સાઇકલો મને પહોંચાડે છે. એ પછી રોજ બે ત્રણ કલાક કાઢીને એમાં સમારકામ કરીને એ સાઈકલ હું અને મારા મિત્રો નવીનક્કોર કરાવીએ છીએ. એ પછી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એ સાઈકલ પહોંચાડીએ છીએ. પ્રમોદભાઈ કહે છે કે, અમે શોપિંગ સેન્ટર્સ, કોમ્પલેક્સ, ફ્લેટમાં પડી રહેતી હોય એ સાઈકલો પણ ઉઘરાવીને તેનું સમારકામ કરાવીને તેનું વિદ્યાર્થીઓમાં વિતરણ કરીએ છીએ. અત્યાર સુધીમાં પ્રમોદભાઈએ મિત્રો, દાતાઓની મદદથી ૧૫૦૦થી વધુ સાઇકલોનું વિતરણ કર્યું છે. આમ તો નવી સાઇકલો ચારથી સાડા ચાર હજારમાં મળે છે, પરંતુ જૂનીને નવી બનાવીને રૂ. ૧૫૦૦ આસપાસ પડે છે.