સુરેન્દ્રનગર: બે સંતાનોની માતાના ઘરે વિધિ કરવાના બહાને મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ ૨૦૧૬માં બન્યો હતો. જેમાં દાણા જોતાં માણસે તારા પતિનો આત્મા મારા શરીરમાં આવી ગયો છે તેમ કહી મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કૃત્ય કર્યું હતું. આ કેસ ૨૩મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને દોષી ઠેરવી ૧૦ વર્ષની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજાનો પણ હુકમ કોર્ટ તરફથી થયો છે.
ઘટનાની વિગત
સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાના પતિનું અવસાન થતાં બે સંતાનોની આ માતાને તેના લગ્નમાં નડતર હોવાનું માનીને તેના ભાઇઓ ધ્રાંગધ્રાના જૂનાપરામાં રહેતા ગોવિંદભાઇ અમરશીભાઇ પરમાર (ઉં ૪૯)ને ત્યાં વર્ષ ૨૦૧૩માં લઈ ગયા હતા. સવા મહિના બાદ વિધિના બહાને ગોવિંદ મહિલાના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરમાં નડતરે તેના પતિનો ભોગ લીધો છે તેથી વિધિ કરાવવી પડશે. જો વિધિ નહીં કરીએ તો સંતાનો પણ મોતના મુખમાં ધકેલાશે. મહિલાએ વિધિ માટે હા કહેતા ઘરમાં યજ્ઞ કરીને માતા તથા બે સંતાનોને મંત્રેલા દાણા ગોવિંદે ખવડાવ્યા હતા. જેમાં મહિલા અર્ધબેભાન થઈ હતી. તે વખતે ગોવિંદે તેના શરીરમાં મહિલાના પતિનો આત્મા પ્રવેશી ગયો છે તેમ કહી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તે દર એકવીસ દિવસે મહિલાના ઘરે જઈને મહિલા સાથે દુષ્કૃત્ય આચરતો હતો. સમય જતાં મહિલાએ વિરોધ કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
એ પછી વિધવાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું હતું કે ૬ જુલાઈ, ૨૦૧૩થી લઈને ૨૫ ડિસેમ્બર. ૨૦૧૪ દરમિયાન ગોવિંદે અવારનવાર તેની પર દુષ્કર્મ આચર્યું છે. એ પછી પોલીસે આરોપી ગોવિંદ પરમારની અટક કરી હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશ્યલ એટ્રેસિટી કોર્ટમાં ચાલી જતાં ૧૫ મૌખિક પુરાવા અને ૩૧ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ ગોવિંદ પરમારને દોષી ઠેરવવામાં આવ્યો હતો.