વિરપુરઃ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર - જલારામ મંદિરનાં દ્વાર સોશિયલ ડિસ્ટન્સિંગના સરકારી નિયમોને આધીન આઠમી ઓક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લાં મુકાયા હતા. ૩૦મી ઓગસ્ટથી ૧ ઓક્ટોબર સુધી જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે પરિસ્થિતિને ધ્યાને લઈ વધુ આઠ દિવસ માટે મંદિર બંધ માટેનો નિર્ણય ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા લેવાયો હતો. બાદમાં ૮ ઓક્ટોબરથી મંદિર ખુલ્લું મુકાયું હતું.
દેશવિદેશમાં આસ્થાનું કેન્દ્ર અને બાપાના દર્શન માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરાઈ છે. દરેક દર્શનાર્થીઓને સૌપ્રથમ વિરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાની નોંધણી કરાવવાની રહેશે. એ પછી ટોકન મેળવી સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઈઝ થયા પછી જ ભાવિકોને મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત માસ્ક બાંધવું પણ ફરજિયાત કરાયું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરે ૧ અને બપોરે ૩થી સાંજના ૭ સુધી થઈ શકશે.