વિશ્વ જળસફર કરનારી ‘તારિણી’ની છ સાહસિક મહિલાઓનું સન્માન કરાયું

Wednesday 08th August 2018 06:48 EDT
 
 

જામનગર: ભારતીય નૌકાદળની આઈએનએસવીની ‘તારિણી’ નૌકા દ્વારા વિશ્વ સફર ખેડનાર છ મહિલા સાહસિક નાવિકોનું પહેલી ઓગસ્ટે આઇએનએસ વાલસુરા, મહાપાલિકા અને નગરપ્રાથમિક શિક્ષણ દ્વારા જાહેર સન્માન કરાયું હતું. જુદા જુદા નૌકમથકોની કેપ્ટન વર્તકા જોશી, લેફ. કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, બી. ઐશ્વર્યા, લેફ. એસ. વિજયા દેવી તથા પાયલ ગુપાતની બનેલી આ સાહસિક મહિલા ટીમને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ગોવામાં ઝંડો ફરકાવી પ્રવાસનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહિલા ટીમ ૨૨,૩૦૦ દરિયાઈ કિ.મી.ની સફર ખેડીને તા. ૨૧મે ૨૦૧૮ના રોજ ભારત પરત ફરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાહસને બિરદાવ્યું હતું. આ મહિલાઓનું જામનગરમાં સન્માન કરાયું હતું. જામનગરના મેયર હસમુખ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કલેકટર રવિશંકર, એસ.પી. શરદ સિંઘલ, મ્યુનિ. સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જશી વગેરે ઉપસ્થિત હતા.
જામનગરમાં સન્માન કાર્યક્રમમાં આ મહિલા ટીમના સભ્યોએ સ્ત્રી સશક્તિકરણ સ્વરૂપે તેમની દરિયાઈ વિશ્વ સફરની યશગાથા વર્ણવી હતી. ૫૬ ફૂટના સઢવાળી નૌકાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય જળસ્તરે તેમણે હાંસલ કરેલી સિદ્ધિ પાર કરતાં તેમને નડેલી મુશ્કેલીઓ અંગે પણ વાત કરી હતી.
આ ટીમે બે વખત વિષુવવૃત્ત રેખા અને બધી દિશાઓમાં બધી રેખાંશને ઓળંગીને સફર પૂર્ણ કરી હતી. જોખમી ચેનલ અને ઉછળતાં મોજાં વચ્ચેથી કેવી રીતે તેઓ પસાર થયાં હતાં તેની દિલધડક કહાની પણ વર્ણવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter