ગોંડલઃ ગોંડલના રાજવી પરીવારની વિન્ટેજ અને ક્લાસિક કાર દુનિયાભરમાં જાણીતી છે. વર્તમાન મહારાજા તથા યુવરાજસાહેબે અગાઉ વિશ્વકક્ષાની કાર રેસમાં પ્રથમ રહી પુષ્કાર મેળવ્યા છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી સ્પર્ધામાં અહીંની બ્યુક ઇલેકટ્રા તથા કેડીલેક લિમોઝિન કારને સ્પર્ધામાં પ્રથમ ક્રમનું ઇનામ મળ્યું હતું. દિલ્હી ખાતે ૨૧ ફેબ્રુઆરીએ ૨૧ ગનસેલ્યુટ પાંચમી ઇન્ટરનેશનલ વિન્ટેજ કાર રેલી એન્ડ શોનું આયોજન લાલ કિલ્લા ખાતે કરાયું હતું. જેમાં વિશ્વભરનાં વિન્ટેજ અને ક્લાસિક કાર માલિકોએ ભાગ લઇને કાર પ્રદર્શિત કરી હતી. ગોંડલ સ્ટેટની ૧૯૫૫નું મોડેલ ગણાતી કેડીલેક લિમોઝિન પ્રથમ ક્રમે અને લાલ કિલ્લાથી ગુડગાંવ સુધીની રેલીમાં ૧૯૬૦નું મોડેલ બ્યુક ઇલેકટ્રા પ્રથમ ક્રમે રહી હતી. આમ બન્ને સ્પર્ધામાં ગોંડલ સ્ટેટ વિજેતા બન્યું હતું.