જૂનાગઢઃ મહાનગરપાલિકાના ગૌવંશ નિભાવમાં બે વર્ષમાં રૂ. ૯૬.૫૦ લાખ ખર્ચ્યા છતાં ૯૬ જેટલી ગાયોનાં તાજેતરમાં મૃત્યુ થયાં છે. મહાપાલિકા દ્વારા ૧૯-૬-૨૦૧૬થી ૧૫-૩-૨૦૧૮ સુધીમાં તોરણિયાની રામદેવપીર ગૌશાળાને ૭૮૯ ગૌવંશ અપાયા હતા. તેમાંથી ૯૬ ગૌવંશ ખોડિયાર ગૌશાળામાં સંચાલક અજયગીરીની સંમતિ ન હોવા છતાં મુકાયા હતા.
અજયગીરીએ જણાવ્યું કે, અહીં સુવિધા ન હોવાથી ગાયો રાખવા ઇનકાર કર્યાં છતાં ગાયોને પાલિકા દ્વારા અહીં રખાઈ હતી. અંતે ગાયોનાં મોત થયાં છે. તેમણે ઉમેર્યું કે, પાલિકા દ્વારા પશુઓના નિભાવ માટે એક પણ રૂપિયો અપાયો નથી અને પશુઓને અહીં મુકાય છે. ઉપરાંત જૂનાગઢની ચોરવાડીની બલરામ ગૌસેવા સમાજ ગૌશાળામાં ૩૨૮ ગૌવંશના નિભાવ માટે રૂ. ૯.૮૪ લાખ ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા દ્વારા પકડેલા ગૌવંશ પરત્વેની ભારોભાર બેદરકારી જણાય છે. વળી, જૂનાગઢ મહાપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં કઈ ગૌશાળાને કેટલા ગૌવંશ નિભાવવા આપ્યા અને કેટલો ખર્ચ કર્યો તે વિગતો સ્પષ્ટ જાહેર કરાતી નથી.