જૂનાગઢઃ મૂળ માળિયા હાટીનાના અને લંડનમાં વસતા હરસુખ છગનભાઈ કરડાણીને મૂળ કેશોદના અને લંડન રહેતા કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા, તેની સાથે જ લંડનમાં રહેતી આરતી લોકનાથ ધીર અને રાજકોટના નીતિશ શ્યામલાલ પંજાબીએ હરસુખના ૧૧ વર્ષીય સાળા ગોપાલને દત્તક લેવાની કાર્યવાહી તથા તેના પાસપોર્ટની પ્રોસીજરનું બહાનું બતાવીને રાજકોટ બોલાવ્યો હતો. ગોપાલને હરસુખ પોતાની સાથે રાખે તો તેની વીમાની રકમ ચાઉં કરી શકાય નહીં તેથી ગોપાલની રૂ. એક કરોડ ૩૦ લાખની વીમાની રકમ પકવવા માટે ઉપરોક્ત ત્રણેયે ગોપાલને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું.
કવલજીત, આરતી અને નીતિશે સાળા બનેવીનો કાંટો કાઢવા માટે રાજપરી કિશોરપરી ગોસ્વામી અને લખમણ મેઘરાજ ગઢવીને રૂ. પાંચ લાખની સોપારી આપી હતી. આઠમીએ ગોપાલ અને હરસુખભાઈ રાજકોટના કારચાલક હિતેશ નરેશ ત્રિવેદીની કારમાં રાત્રે માળિયા આવી રહ્યા હતા ત્યારે કેશોદ-સોમનાથ બાયપાસ પર ગાડી પસાર થતી હતી ત્યારે કારમાંથી પહેલાં ગોપાલનું અપહરણ કરાયું હતું. તેને બચાવવા જતા હરસુખભાઈને છરીના ઘા ઝીંકાયા હતા. એ પછી કારથી દૂર લઈ જઈને ગોપાલ પર છરીના ઘા ઝીક્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા.
ઘવાયેલા સાળા-બનેવીને જૂનાગઢ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ૧૧મી ફેબ્રુઆરીએ ગોપાલનું અને ૧૭મી ફેબ્રુઆરીએ હરસુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના પછી પોલીસે કારના ચાલક હિતેષ ત્રિવેદીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં હકીકત સામે આવી હતી. લંડન રહેતા કેશોદના ક્વલજીતસિંહ રાયજાદા અને આરતી ધીરની ધરપકડ માટે એલ.ઓ.સી. દ્વારા તજવીજ હાથ ધરી છે.