વીરપુર મંદિરે ભેટ સ્વીકારવાનું બંધ કરી ચલાવાતા સદાવ્રતને ૨૧ વર્ષ પૂર્ણ

Monday 15th February 2021 04:56 EST
 
 

વીરપુર: જલારામબાપાના ભક્તિધામ વીરપુરના ગાદીપતિ જયસુખરામબાપાએ મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને ૧૨મી ફેબ્રુઆરીએ એકવીસ વર્ષ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જલારામ ધામ તરીકે પ્રખ્યાત એવા વીરપુરમાં છેલ્લા કોરોના કાળને બાદ કરતાં બે સદીથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જયસુખરામબાપાએ જણાવ્યું કે, આજથી એકવીસ વર્ષ પહેલાં શનિવાર અને મહા સુદ બીજના દિવસે અમારા દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાતનો સ્વીકાર કરવામાં નહિ આવે. ન ભૂતો ન ભવિષ્યતિ જેવા નિર્ણયને એકવીસ વર્ષ પૂર્ણ થયાં છે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ જલાબાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે છતાંય હજુ મંદિર દ્વારા સદાવ્રત ચાલે છે. અહીંથી ક્યારેય કોઇ પ્રસાદી લીધા વગર જતું નથી. અહીંની પ્રસાદીનો પણ મહિમા અપરંપાર છે. ગમે તેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે, અહીં ક્યારેય પ્રસાદીની ખોટ પડતી નથી.
આ અન્નક્ષેત્ર એક ઉમદા ઉદાહરણ
પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતાના સ્થળે બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી છે. અહીં જે રીતે સદાવ્રતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાંથી પણ મેનેજમેન્ટ ગુરુઓ શીખી રહ્યા છે અને વિશ્વભરના સદાવ્રતો માટે આ ઉમદા ઉદાહરણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter