વીરપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સૌરાષ્ટ્રના સંત જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતીની કોરોનાના કારણે નહીંવત્ કહી શકાય તેટલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદાઈથી ઉજવણી કરાઇ હતી. ૨૨ માર્ચે લોકડાઉન જાહેર થયું ત્યારબાદ પ્રથમ તહેવાર આવ્યો હતો રામનવમી. આ પછી હનુમાન જયંતી, મહાવીર જયંતી, જન્માષ્ટમી, નવરાત્રી મોટાભાગના તહેવારો કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાના ભયને કારણે ઉજવી શકાયા ન હતા. જોકે જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિત્તે ભાવિકોએ બાપાના દર્શન કરીને પ્રસાદ લીધો હતો.
દર વર્ષે રંગેચંગે ઉજવાતી બાપાની જન્મ જયંતી આ વર્ષે કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે સાદાઈથી ઉજવાશે તેવી જાહેરાત મંદિર દ્વારા અગાઉથી જ કરવામાં આવી હતી. તેમજ બની શકે તો ભાવિકોને વીરપુર આવ્યા વગર ઘરેથી જ ઉજવણી કરવાની ગાદીપતિની અપીલ ભાવિકોએ સ્વીકારી લીધી હોય તેમ ૨૨૧મી જન્મ જયંતીની નિમિત્તે ભાવિકોની ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી.
ગામના યુવાનો દ્વારા દર વર્ષે બાપાની જેટલામી જન્મજયંતી હોય તેટલા કિલોની કેક બનાવીને તેને પ્રસાદરૂપે ભાવિકોને આપવામાં આવે છે તે ઉજવણી રદ કરીને કેકના બદલે ઉકાળો ભાવિકોને પ્રસાદરૂપે આપ્યો હતો. તેમજ શોભાયાત્રા પણ રદ કરવામાં આવી હતી.
ગામવાસીઓ દ્વારા ધજા, પતાકા અને રંગબેરંગી કમાનો નાંખીને શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ઘરઆંગણે રંગોળી, દરવાજે, આસોપાલવના તોરણો તેમજ બજારમાં વેપારીઓ દ્વારા રોશની કરીને ઉજવણી કરાઇ હતી. બાપાની જન્મ જયંતીની ઉજવણી બાદ સોમવારથી મંદિર તેમજ અન્નક્ષેત્ર નવી જાહેરાત
ન થાય ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે તેવી ગાદીપતિ રઘુરામબાપાએ જાહેરાત કરી હતી.