વીરપુરઃ મહાન સૂફી સંત હઝરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા ઉર્ષ મેળાની ઉજવણી તાજેતરમાં કરાઈ હતી. આ ઉર્ષમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા હતા. રાજસ્થાનના હિન્દુ પટેલ પરિવારના સભ્યોએ હઝરતકાજી મહેમૂદ દરિયાઈ દુલ્હાની દરગાહના શિખર પર એક કિલો ૨૫ ગ્રામ સોનું ભેટમાં ચડાવ્યું હતું. બાંસવાડાના ડો. વીણાબહેન પટેલ અને તેમનાં પરિવારના સભ્યો વર્ષોથી દરિયાઈ દુલ્હાની દરગાહના મેળામાં મુખ્ય ચાર દિવસમાં સવાર અને સાંજ બંને સમય વિનામૂલ્યે ભોજન આપે છે.
આ પરિવારની વર્ષોથી ઈચ્છા હતી કે, વીરપુરની દરગાહના શિખર પર સોનું ભેટ ચડાવે. આ ઈચ્છા પૂર્ણ થતાં પટેલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડો. વીણાબહેન પટેલ જાણાવે છે કે, હું મારા પરિવારના સભ્યોની સાથે વર્ષોથી હજરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાની દરગાહ પર દર્શન કરવા આવું છે. આ દરગાહ સાથે મારી આસ્થા જોડાયેલી છે. એક દિવસ દરગાહના શિખરને જોઈ અને મેં સંકલ્પ કર્યો હતો કે, હું જયારે સક્ષમ હોઈશ ત્યારે પ્રથમ દાદાની દરગાહના આ ગુંબજ પર સોનાનો કળશ ચડાવીશ. મારું સ્વપ્ન આ દરગાહ પરના ૫૦૦મા ઉર્ષ પર પૂર્ણ થતાં હું અને મારો સમગ્ર પરિવાર ખુશ છીએ.