ગાંધીનગર: વતન આંધ્ર પ્રદેશમાં જવાની જીદે ચઢેલા ૪,૦૬૫ માછીમારોને વેરાવળથી ૨૯મી એપ્રિલથી સાંજના ૬ વાગ્યાથી માંડીને રાતના ૩ વાગ્યા સુધી દર કલાકે ૧૦-૧૨ ખાનગી ટ્રાવેલ બસો ઉપાડી કુલ ૫૪ બસો દ્વારા વિશાખાપટ્ટન મોકલાયા હતા. આંધ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે આ સંબંધે વાતચીત થઈ હતી, બાદમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને વિભાગીય વડા અધિકારીઓ સતત સંપર્કમાં હતા, અંતે બોટમાલિકો અને જિલ્લા પ્રશાસનના સંકલનથી આંધ્રના મછવારાઓને વિશાખાપટ્ટનમ મોકલાયા હતા અને ત્યાંથી તેઓ તેમના વતન શ્રી કોકુલમ વિજયનગર પહોંચી જશે, એમ ઉલ્લેખી રાજ્યના પશુપાલન વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, શ્રમિકો મોકલતાં પહેલાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે બસો સેનિટાઇઝડ કરાઈ હતી, તેમજ પ્રત્યેકનું હેલ્થ ચેકઅપ પણ કરાયું હતું.
ફિશરીઝ કમિશનર ડી.પી. દેસાઈના જણાવ્યા પ્રમાણે બસયાત્રા બે દિવસની હોઈ પૂરતા પ્રમાણમાં સૂકો નાસ્તો તથા પીવાના પાણીનો જથ્થો પણ અપાયો છે, માર્ગમાં કોઈ બસ બગડે તો રઝળવાનું ના થાય તે ગણતરીથી એકસ્ટ્રા ૪ ખાલી બસો પણ આ કાફલાથી મોકલાઈ છે, તદુપરાંત સુપરવાઇઝર કક્ષાના બે અધિકારીઓ પણ સાથે મોકલાયા છે. લોકડાઉનની જાહેરાતને પગલે આ બધા માછી-શ્રમિકો વેરાવળ- પોરબંદર- માંગરોળ- વણાકબોરી વગેરે ખાતે ફસાઈ ગયા હતા. આંધ્રના આ શ્રમિકો તો વતનમાં જવાની જીદે જ ચઢયા હતા. આખરે મુખ્યપ્રધાન કક્ષાની વાતચીત બાદ એમને વતન આન્ધ્રમાં મોકલાયા છે.