રાજકોટઃ જામનગર રોડ પર રહેતા અને વીડિયો એડિટિંગનું કામ કરતા યુવાન પ્રફુલભાઈ ગોસ્વામીએ પોલીસ કમિશનરની કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું કે, યુવકને છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરો પરેશાન કરી રહ્યા હતા. જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હતું. યુવકની બહેને જણાવ્યું કે, કોઈ ભરવાડ માણસ વ્યાજ બાબતે પ્રફુલભાઈને હેરાન કરે છે. પ્રફુલભાઈને તેના ૨ મિત્રોએ વીડિયો એડિટિંગ સિસ્ટમ લઈ આપી હતી. તેના નાણાં ચૂકવ્યા છતાં વધુ વ્યાજ માંગી હેરાનગતિ કરવામાં આવતી હોવાથી તેમણે આ પગલું ભર્યાનું પણ જણાવવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.