મહુવાઃ શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં એમણે પ્રયાણ કર્યું છે. તબીબોએ તેમને વધુ સારવાર માટે દિલ્હી જવા કહ્યું તેમ છતાં જેણે પ્રાણ છોડ્યો, પરંતુ ધામ ન છોડ્યું એવી સમર્પિત ચેતનાને મારા પ્રણામ... મોરારિબાપુએ ઉમેર્યું કે, જન્મ અને મૃત્યુ એ પ્રત્યેક જીવ માટે સ્વાભાવિક ઘટનાઓ છે. જીવ માટે મૃત્યુ પણ ધ્રુવ છે, પરંતુ ક્યારેક સમાજમાં અમુક લોકોની વિદાય ખરા અર્થમાં વસમી સાબિત થતી હોય છે અને તેનું કારણ છે એવી વ્યક્તિોનું સમાજ માટે, દેશ માટે અને પૂરા જગત માટેનું અદકેરું યોગદાન. તન, મન અને ધનથી વિશ્વમંગલના યજ્ઞકાર્યમાં લાગેલી વ્યક્તિઓની વિદાય સમાજ માટે બહુ મોટી ખોટ સાબિત થતી હોય છે. ઊંડી સંવેદના - સમજણ - સમર્પણ અને સેવાનો સંગમ એક વ્યક્તિમાં હોય તે વિરલ ઘટના ગણાય અને એ અર્થમાં એવી વ્યક્તિનું અવસાન ખોટ બની છે. એ મહત્ત્વનું નામ એટલે શ્રી બાજોરિયા. છેલ્લા ૨૭ વર્ષથી શ્રી રમાશંકર બાજોરિયા અને તેમનો પૂરો પરિવાર વ્યાસપીઠની સેવામાં જોડાયેલો હતો. એમણે પોતાનું તન, મન, ધન સતત લોકસેવામાં, સાહિત્યકારોની - કલાકારોની - દેશની સેવામાં લગાવ્યું હતું.
નોંધનીય છે કે દિલ્હીસ્થિત આ ઉદ્યોગપતિ અને તેના પરિવારે ભારતભરમાં મોરારિબાપુની ૨૨ રામકથાઓનું આયોજન કર્યું હતું. છેલ્લા ૨૭ વર્ષોથી શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જયંતી પર્વે જે કાર્યક્રમો યોજાય છે તેમાં દેશ-વિદેશના ખ્યાતિપ્રાપ્ત કલાકારો ઉપસ્થિત રહે છે અને શ્રી ચિત્રકૂટધામ દ્વારા ભારતીય કલા, સંગીત અને સાહિત્યની સેવાઓ થાય છે તેમાં રમાશંકર બાજોરિયાનું મહત્ત્વનું યોગદાન છે.