રાજકોટઃ પોરબંદરના એક ચાલવામાં અક્ષમ યુવાને પોતાનામાં છુપાયેલી પ્રતિભાની ઓળખ કરી લીધી અને કઠોર પરિશ્રમ દ્વારા તેને બહાર લાવવાનું યશસ્વી કાર્ય કર્યું. છઠ્ઠી ઓક્ટોબરનો દિવસ તેના માટે સૌથી યાદગાર બની ગયો. વ્હીલચેર પર બેઠેલા આ ખેલાડીની મુલાકાત છઠ્ઠીએ ક્રિકેટ સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી સાથે થઈ. વિરાટે તેને અભિનંદન આપતા કહ્યું, લોકો તને સપોર્ટ કરશે, અમે પણ તને સપોર્ટ કરીશું.
તાજેતરમાં દુબઈમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ રમી રહી હતી ત્યારે ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમ પણ ત્યાં હતી. તે પાકિસ્તાનની વ્હીલચેર ક્રિકેટ ટીમ સાથે ટી-૨૦ સિરીઝ રમી રહી હતી. ત્રણ મેચ રમાઈ હતી અને ભારતની ટીમ ૩-૦થી વિજેતા બની હતી. પોરબંદરના ખેલાડી ભીમા ખૂટી પણ ટીમનો ભાગ હતા.
ખંઢેરીમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચમાં તેઓ આવ્યા હતા. મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન એરિયામાં તેમની મુલાકાત ક્રિકેટ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે કરાવવામાં આવી હતી. કોહલીએ તેની સાથે તસવીર ખેંચાવી હતી. અભિનંદન પાઠવીને કહ્યું કે તમને ચારે બાજુથી સપોર્ટ મળશે અને અમે પણ સપોર્ટ કરવા આગળ આવીશું.
પૃથ્વી શો અને રવિન્દ્ર જાડેજા પણ બાજુમાં ઊભેલા હતા. તેમણે પણ ભીમાને અભિનંદન આપ્યા હતા. ૩૫ વર્ષનો આ યુવાન ચાર વર્ષથી વ્હીલચેર ક્રિકેટ રમે છે. ઓલરાઉન્ડર છે. અગાઉ તે ટીમ ઇન્ડિયામાંથી બાંગ્લાદેશ, મલેશિયા અને નેપાળ રમી આવ્યા છે. હાલ તેઓ ફૂલ ટાઇમ ક્રિકેટર તરીકે પ્રવૃત્ત છે. ગુજરાતની ટીમના કેપ્ટન છે અને ઇન્ડિયન ટીમના વાઇસ કેપ્ટન. દિવ્યાંગ શબ્દને તેમણે નવી ઊંચાઈ આપવાનું કામ કર્યું છે. ગુજરાતમાંથી તેઓ એક માત્ર દિવ્યાંગ ટીમ ઇન્ડિયાના ખેલાડી છે.