રાજકોટઃ નારણભાઈ પટેલે કૈલાશ કોટન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોતાના ૩૩ વર્ષીય પુત્ર દીપેશની રૂ. સાડા ચાર લાખ સોપારી આપીને હત્યા કરાવી નાંખી હતી. દીકરાના જન્મના ૩૩ વર્ષ પછી નારણભાઈને શંકા થઈ હતી કે દીપેશ તેમની પત્નીના પૂર્વપ્રેમીનો પુત્ર હતો. સોપારી લેનારા બન્ને કિલર મનસુખ ઓધવજીભાઇ વાડોલિયા અને તેના ભત્રીજા રવિ છગનભાઇ વાડોલિયાને પોલીસે દીપેશની હત્યાના બીજા દિવસે ૨૨મી જૂને પકડી લીધા હતા.
નારણભાઈ ભારત સરકારની ઓડિટર જનરલના કાર્યાલયમાંથી પાંચ વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા અને એ પછી કન્સ્ટ્રક્શન લાઇનમાં હતા.
પોલીસ મુજબ, ‘દીકરાના મર્ડરનો વિચાર કરનારા નારણભાઈને ખબર હતી કે દીપેશની દસ-દસ લાખ રૂપિયાની બે ઇન્શ્યોરન્સ પોલિસી છે એટલે એ પોલિસીના નોમિનેશનમાં પણ પોતાનું નામ નંખાવી લીધું હતું. ૨૧મી જૂને દીપેશને તેના જ ખોવાયેલા મોબાઇલ પરથી અજાણ્યા માણસનો ફોન આવ્યો અને મોબાઇલ લઈ જવા કહ્યું. દીપેશ મોબાઇલ લેવા ગયો ત્યારે ત્યાં કિલરે તલવારના ઘા મારીને તેની હત્યા કરી નાંખી. દીપેશનો મોબાઇલ તેના જ પપ્પા નારણભાઈએ ચોરીને કિલરને આપી દીધો હતો.