રાજકોટ, કોટડાસાંગાણી: શાપર (વેરાવળ)માં આવેલા શાંતિધામ વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક હેત ૨૬મી મેએ ગુમ થતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ૨૭મીએ ગુંદાસર-અરડોઈ વચ્ચે રીબડા ફાટક નજીક ઝાડી-ઝાંખરા વચ્ચેથી અપહૃત બાળકની લાશ મળી આવી હતી.
તેના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. તેથી બાળકની હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. બાળકની હત્યાથી પરિવાર ઉપર વજ્રાઘાત થયો હતો. ફોરેન્સિક પીએમમાં બહાર આવ્યું હતું કે બાળકનું જે દિવસે અપહરણ થયું તે દિવસે જ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે છ ટીમ બનાવીને આ કેસમાં તપાસ આદરી હતી.
હેતનું અપહરણ કર્યા બાદ અપહરણકારોએ લોખંડના તારથી ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું પોલીસે ૨૮મીએ જણાવ્યું હતું. હત્યા કરીને હત્યારાઓએ આ માસૂમ બાળકના મૃતદેહને કોટડા રોડ ઉપરની ઝાડીઓમાં ફેંકી દીધો હતો. બીજી તરફ બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હત્યારાનો પત્તો ન મળે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સ્વીકારીશું નહીં. પોલીસે પહેલાં પણ અંદાજ લગાવ્યો હતો કે, બાળકની હત્યા પાછળ કોઈ પરિચિત વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે અને ૨૯મી મેએ પોલીસે આ કેસમાં બાળકના ઘરની બાજુમાં રહેતા ગોસ્વામીની ધરપકડ કરી છે.