રાજકોટઃ રામ કથાકાર પૂજ્ય મોરારિબાપુએ વીરપુરની સપ્તાહમાં તાજેતરમાં કહ્યું કે, કલમ ૩૭૦ અને એનઆરસી સહિતના નિર્ણયો લીધા પછી લોકસભામાં બેધડક રીતે આપણા ગૃહ પ્રધાન અમિત શાહ જે રીતે જવાબ આપે છે તે જવાબમાં સરદાર વલ્લભભાઇ પટેલની ઝાંખી દેખાય છે. મોરારિબાપુના આ વિધાનથી રાજકીય માહોલ ગરમાયો છે. વીરપુરમાં રામકથાના અંતિમ દિવસે રવિવારે મોરારિબાપુએ ઇસ રાઝ કો ક્યા જાને સાહિલ કે તમાશાઇ આ શેર બોલીને કહ્યું હતું કે, તાજેતરમાં લોકસભામાં આ શેર આપણા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બોલ્યા હતા અને કહ્યું હતું કે, ૩૭૦ કઇ લોગ ક્યા જાને? મોરારિબાપુએ કહ્યું કે, આપણો અમિતભાઇ જવાબ બહુ સારા આપે છે. કોઇને ઐસી-તૈસી ૧ ઇંચ પણ અમે પાછા પડવાના નથી. એણે જે જવાબો આપ્યા તે મને ગમે છે. અમિત શાહ કહે છે કે તમારે સાંભળવું જ પડશે. અમને હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભરપૂર વખાણ કર્યા બાદ મોરારિબાપુએ કહ્યું હતું કે, પોતાને કોઇના પક્ષ સાથે લેવાદેવા નથી. પક્ષા - પલટી હોય ત્યાં પરમેશ્વર ન હોય, આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ.