સાવરકુંડલાઃ જાણીતા હાસ્યલેખક-કવિ અને હવે સમગ્ર વિશ્વમાં સેવાકર્મી દાતા તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ધીંગી ધરા સુરેન્દ્રનગરની ભૂમિનું રતન એટલે જગદીશ ત્રિવેદી. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માટે આ કલાકાર સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરીને, પારિવારિક હાસ્યરસ પીરસીને જે કંઈ ધન પ્રાપ્ત થાય
તે દાનરૂપે સમાજને અર્પણ કરી દે છે.
હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદી હાલમાં કેનેડા-અમેરિકાની ત્રણ માસની યાત્રા પર છે અને ભારતથી અમેરિકા માટે તેઓ રવાના થયા ત્યારે મનમાં એમ હતું કે, બાવીસેક પ્રોગ્રામ થાય તો સારું પણ ઈશ્વરના શુભ સંકેતો જુઓ કે, 22ને બદલે 33 જેટલા કાર્યક્રમનું આયોજન નિશ્ચિત થઈ ગયું છે અને ખાસ ગૌરવપૂર્ણ ઘટના તો એ છે કે અમેરિકાના શિકાગો સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા પ્રમુખ હરિભાઈ પટેલ (શિકાગો)ના સંયોજનથી જગદીશભાઈના હાસ્ય દરબારનું આયોજન ગોઠવ્યું ત્યારે 11 લાખ રૂપિયા એકઠા કરવાનો હેતુ હતો. તેની સામે શિકાગોના ગુજરાતીઓ-ભારતીઓએ 32 લાખ રૂપિયા જેટલી માતબર રકમની ધનરાશિ મેળવીને દાનગંગાનો પ્રવાહ છલકાવી દીધો હતો.
મજાની વાત તો એ છે કે ડો. જગદીશ ત્રિવેદીએ એકત્ર થયેલી એ ધનરાશિની સાથે કલાકાર તરીકેનો પોતાનો પુરસ્કાર પણ અર્પણ કરી દીધો. એટલું જ નહીં પણ શિકાગો જવા-આવવા માટે વિમાન ટિકિટનો ખર્ચ પણ પોતે ભોગવ્યો હતો. વિદ્યાગુરુ ફાઉન્ડેશન-સાવરકુંડલા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને આ સઘળી રકમ અર્પણ કરવામાં આવશે. આ ઉમદા કલાકારે આ પૂર્વે પણ સાવરકુંડલાના આ નિઃશુલ્ક આરોગ્ય મંદિરને
અને સૌરાષ્ટ્રની અન્ય હોસ્પિટલને પણ ધનરાશિ અર્પણ કરી દીધી છે.