જામનગરઃ તાલુકાનું સૂર્યપરા ગામ સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત તાલુકાનું રળિયામણું ગામ તરીકે તાજેતરમાં પસંદ કરાયું છે. શાળાના પ્રવેશદ્વાર, સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા, શિક્ષણ ગુણવતા, જન્મ નોંધણી, શૌચાલય, શુદ્ધ પાણી, સ્વચ્છતા, ઘનકચરાનો નિકાલ જેવી જેવી અનેક બાબતોએ આ ગામ ઉત્તમ છે.
આશરે ૮૮૫.૧૪ હેકટરમાં આવેલા સૂર્યપરા ગામની વસ્તી ૧૩૨૯ જેટલી છે. જામનગર તાલુકાની સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત આ ગામ તમામ માપદંડોમાં બાજી મારી જતાં આ ગામને રળિયામણા ગામનું ટાઈટલ મળ્યું છે. રાજ્યકક્ષાએ પસંદ કરવા જિલ્લા પંચાયત દ્વારા આ ગામની અરજી મોકલાઈ હતી. આ ગામની મુખ્ય વિશેષતા છેકે શાળાના પ્રવેશદ્વારના સુધારા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને શાળમાં પ્રવેશ અપાવવા સરપંચ-તલાટીએ ઘણી મહેનત કરી હતી. ગામનો સાક્ષરતા દર પણ ઊંચો થાય અને બાળકો વધુ અભ્યાસ કરે તે માટે પણ ગામના અગ્રણીઓ મહેનત કરે છે.
દીકરીઓના શિક્ષણની ચિંતા
બાળકીઓ, કિશોરીઓ અને યુવતીઓ પણ ભણે એ માટે ગામમાં અભ્યાસ અંગે જાગૃતિના પ્રયાસો અને વાલીઓ સાથે બેઠક થાય છે. ગ્રામપંચાયતના તલાટી જગદીશ ઉપાધ્યાય જણાવે છે કે, ગામમાં દરેક ઘરે અને જાહેર જગ્યાએ જરૂર હોય ત્યાં શૌચાલય છે. તેમજ ૩ વર્ષથી ૧૦૦ ટકા વેરાવસૂલાત કરવામાં આવી રહી છે. વનીકરણના ભાગરૂપે વૃક્ષોના ઉછેર માટે તાજેતરમાં અભિયાન ચલાવવમાં આવ્યું હતું.
વિકાસનો વિચાર
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, ગામમાં પાણી, વીજળી, શૌચાલય, શાળાઓની સુવિધા માટે તકેદારી રાખવા સરપંચ અને તલાટી દિવસ રાત મહેનત કરે છે. આ ઉપરાંત સીસીરોડ પણ ગામમાં બનાવવામાં આવ્યા છે. રૂ. ૩૦ લાખની ગ્રાન્ટનું આયોજન પણ કરાયું છે. આ દરેક સુવિધા વ્યવસ્થિત રીતે જળવાય તે માટે હવેથી તો એક વર્ષ અગાઉથી પ્લાનિંગ કરાય છે.