રાજુલાઃ ૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ અને ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા પછી પણ વર્ષો સુધી અંધકારમાં રહેલા શિયાળ બેટને ૧૧મી જૂને વીજળી મળતાં શિયાળ બેટની ૫૦૦૦ની પ્રજામાં ખુશી ફેલાઈ હતી. પીપાવાવ પોર્ટથી થઈને જઈ શકાતા જાફરાબાદ તાલુકાનો નાનકડો ટાપુ શિયાળ બેટ દરિયાની સૌરાષ્ટ્રના દરિયામાં વચ્ચોવચ્ચ આવેલો છે. શિયાળ બેટનો નિર્વાહ ચલાવવા અહીંની પ્રજા વર્ષોથી બોટથી અપડાઉન કરે છે.
આ વિસ્તારમાં ૨૧મી સદીમાં પણ વીજળી ન હતી. વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળ બેટને વીજળી આપવાનું વચન આપ્યું હતું. જે વચન હાલમાં પૂરું થયું છે.
રૂ. ૧૮ કરોડના ખર્ચે દરિયાની અંદર સ્ટીલ નાંખીને તેની અંદર વાયરને જોઇન્ટ આપી શિયાળ બેટમાં વીજળી પહોંચાડવાનું કામ તાજેતરમાં પૂર્ણ થયું હતું. તેથી ૧૧મી જૂને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તથા ઉર્જા પ્રધાન સૌરભ પટેલ ઇલેક્ટ્રીક સિટી કનેક્શનની સ્વીચ પાડી આખા ગામને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ ગયા હતા અને વર્ષોથી અંધકારમાં રહેતા ગ્રામજનોમાં અનેરો આનંદ વ્યાપી ગયો હતો.
દ્વારકામાં ‘સુદામા સેતુ’નું લોકાર્પણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી રૂ. ૭.૭ કરોડના ખર્ચે દ્વારકામાં ગોમતી નદી પર તૈયાર થયેલા સુદામા સેતુનું મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દ્વારા ૧૧મી જૂને ઉદઘાટન કરાયું હતું. લક્ષ્મણ ઝુલા પ્રકારનો સુદામા સેતુ ગોમતી ઘાટને પંચનદ તીર્થ સાથે જોડે છે.