દ્વારકાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 જુલાઇએ દ્વારકાની યાત્રા અન્વયે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા કામોનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સૌપ્રથમ તેમણે દ્વારકાધીશ જગત મંદિરે પહોંચીને કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવ્યું હતું અને ઠાકોરજીની પાદૂકાનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ સૌપ્રથમ મુલાકાત અંગે જગતમંદિરની વિઝીટબુકમાં નોંધ કરી હતી અને જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના દર્શન-પૂજન કરીને પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ઠાકોરજીને પ્રાર્થના કરું છું.
મુખ્યમંત્રી પોતાની પ્રસ્તાવિત દ્વારકા યાત્રા અન્વયે સવારે રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ પર ઉતર્યા હતા. જ્યાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી મુળૂભાઈ બેરા, જિલ્લા અગ્રણી વી.ડી. મોરી વગેરે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગતમંદિરના દર્શન બાદ મુખ્યમંત્રી શિવરાજપુર બીચ પહોંચ્યા હતા.
શિવરાજપુર ખાતે અંદાજે રૂ. 23.43 કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા બે તબક્કાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકી પહેલા તબક્કાના ભાગરૂપે તૈયાર થઇ રહેલા એરાઈવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઈલેટ બ્લોક સુવિધાના કામોની પ્રગતિનું સ્વનિરીક્ષણ પણ કર્યું હતું.