જૂનાગઢઃ શિવરાત્રીએ મિનિ કુંભમેળામાં પરંપરાગત રીતે ભવનાથનાં માર્ગો પર દિગંબર સાધુઓની રવાડી તો નીકળી હતી, પણ તે દર વખત કરતાં વહેલી અને સાદાઈથી નીકળી હતી. પુલવામા આંતકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયા અને ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રવાડી સાદાઈથી કાઢવામાં આવશે તેવો નિર્ણય ત્રણેય અખાડાનાં સાધુઓ દ્વારા અગાઉથી જાહેર કરાયો હતો. આ વર્ષે રાજ્ય સરકારે મિનિકુંભ જાહેર કરી રૂ. ૧૫ કરોડની ફાળવણી કરી હતી. તળેટીમાં રૂદ્રાક્ષ શિવલિંગ, રોશની, ભીંતચિત્રો, સાધુ-સંતો, વીઆઇપીઓ માટે ટેન્ટ તથા સંત, નારી, ધર્મ સંમેલનનો સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાના આકર્ષણ રહ્યા હતા. શિવરાત્રીએ રવાડીમાં આધિપત્ય દેવતાઓની પાલખી આગળ હતી અને દિગંબર સાધુઓએ તલવાર લાઠી અને અંગ કસરતનાં જુદા-જુદા દાવ પ્રદર્શિત કર્યાં હતાં.
રવાડીનો વહેલો પ્રારંભ
શિવરાત્રીના આગલા દિવસથી જ જૂનાગઢમાં આશરે પાંચ લાખ ભક્તોની ભીડ જામી હતી અને શહેરના રસ્તા પર વ્હીકલ અને ફોરવ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. શિવરાત્રીએ આશરે છ લાખથી વધુ ભાવિકોએ રવાડીના દર્શન કર્યાં હતા. શિવરાત્રીએ આશરે આઠ લાખ ભક્તો મેળામાં હતા. રવાડીના પ્રારંભને ૭૫ વર્ષ થયાં છે. ઇતિહાસમાં પ્રથમ વખત રવાડી વહેલી શરૂ થઇ હતી. સામાન્ય રીતે રવાડી મોડી રાત્રે નીકળે છે, પરંતુ આ વર્ષે સાંજે ૬.૩૦નું મુહૂર્ત ઉત્તમ હોવાથી રવાડીનો પ્રારંભ વહેલો થયો હતો અને મોડી રાત્રે રવાડી પૂર્ણ થઇ હતી. રવાડી બાદ સાધુ-સંતોએ ભવનાથ મંદિરે મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું અને કુંભમેળાની પૂર્ણાહુતિ થઈ હતી.
મુહૂર્ત સાચવવા ત્રણેય અખાડાનાં દેવતા દત્ત મહારાજ, ગાયત્રી માતા અને ગણેશજીની પૂજા કરી શંકરાચાર્યની પ્રતિમા પાસે શોભાયાત્રા હતી. અગ્નિ અખાડાનાં મહામંડલેશ્વર કૈલાસાનંદજીએ અગાઉ કહ્યું હતું કે, પાલખી યાત્રા યોગ્ય મુહૂર્તમાં સાદાઈથી નીકળશે.
ભાંગના સેવનથી સાધુ ભડક્યા
શિવરાત્રીએ ભવનાથમાં ભાંગનું વિતરણ થયું હતું. તે દરમિયાન એક સાધુએ અચાનક બે-ત્રણ ભાવિકોને લાકડી ફટકારવી શરૂ કરી હતી. જેથી લોકોમાં દોડધામ મચી, પણ પોલીસે મામલો સંભાળી લીધો હતો.
‘દેશને મહાસત્તા બનાવવા મોદીને સાથ’
મહાશિવરાત્રી નિમિત્તે હવાઈ માર્ગે જૂનાગઢ આવીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સીધા શેરનાથબાપુના ગોરખનાથ આશ્રમે પહોંચ્યા હતા. ત્યાં સૌપ્રથમ તેઓએ અખંડ ધૂણાના દર્શન કરી તેની ભસ્મ લીધી હતી.
તેમણે સંત સંમેલનમાં જણાવ્યું કે, ભારતને મહાસત્તા બનાવવી હોય તો મોદીને સાથ આપવો પડશે.